



ગાંધીનગર, 02 એપ્રિલ કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ વિદ્યાલય કડી ખાતે 87 મી પાંચ દિવસીય સર્વ નેતૃત્વ શિબિર યોજાઈ હતી. જેમાં સર્વ વિદ્યાલયની 19 કોલેજના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 70 યુવાનો સ્વૈચ્છિક રીતે જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ કોચ તરીકે સેવા આપતા હરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વિચારશીલ અને હકારાત્મક વિચારસણી કેવી રીતે કેળવી શકાય?, પ્રસન્નતાપૂર્વક જીવન જીવવાની સમજ, ભારતીય સંસ્કૃતિ અને વિવિધ વૈદિક પરંપરા, જીવનમાં ધ્યાન, સંબંધ અને સમયનું મહત્વ અને જીવન કૌશલ્ય જેવા વિષયો સાથે સ્વ નેતૃત્વથી શરૂ કરી સર્વનું નેતૃત્વ માટેનું માર્ગદર્શન પૂરું પડાયું હતું. શિબિરના દરેક દિવસની શરૂઆત ડો. કપિલ ત્રિવેદી દ્વારા યોગ, પ્રાણાયામ અને મેડીટેશન દ્વારા કરવામાં આવતી હતી. જેમાં ગેસ્ટ સ્પીકર તરીકે અમિતભાઈ ખત્રી અને નિષ્ઠાબેન ઠાકર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી શિબિરના છેલ્લા દિવસે તમામ શિબિરાર્થીઓને સુઘડ સ્થિત એન્વાયરમેન્ટલ સેનિટેશન ઇન્સ્ટિટયૂટની મુલાકાત કરાવાઈ હતી. સફળતાપૂર્વક શિબિરને પૂર્ણ કરનાર તમામ તાલીમાર્થીઓને કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડેન્ટ વલ્લભભાઈ પટેલ સાહેબ દ્વારા આગળના જીવન માટે શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
સમગ્ર શિબિરનું આયોજન અને સંચાલન સંસ્થા વતી ડો. ધર્મેન્દ્ર પટેલ, પ્રા. સુરજ મુંજાણી, રાહુલભાઈ સુખડીયા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ તાલીમાર્થી દર્શિત, મીત, રોમિત અને મૈત્રી દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા વિશિષ્ટ યોગદાન પૂરું પાડ્યું હતું.
