ગીર સોમનાથ, 8 સપ્ટેમ્બર (હિ.સ.) નાગરિકોની મુશ્કેલીના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા જન્મમરણની નોંધણી સહિત પ્રાથમિક માહિતી નાગરિકોને ઓનલાઇન ઉપલબ્ધ થાય તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં પણ તમામ જરૂરી સેવાઓ નાગરિકોને ઓનલાઇન મળી રહે તેવી વ્યવસ્થા વેગવંતી બની છે.
જેના ઉપક્રમે તા. ૧૪ ઓગસ્ટ થી જિલ્લામાં વિવિધ તબક્કાઓમાં જિલ્લા રજીસ્ટ્રાર (જન્મ મરણ) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ઈ-ઓળખ પોર્ટલમાંથી સી.આર.એસ પોર્ટલમાં સ્વીચ ઓવર કરવા અંગેની તેમજ જન્મ-મરણ એન્ટ્રી કરવા અંગેની તાલીમ યોજાઈ હતી.
ગીર સોમનાથ જિલ્લાના જન્મ-મરણ પ્રોગ્રામ આસિસ્ટન્ટ પંકજ વૈરાગી દ્વારા સી.આર.એસ પોર્ટલ અંગેની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલિમમાં જિલ્લાના તમામ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારી, તાલુકા આંકડા મદદનીશ, ટી.એલ.ઈ તલાટી મંત્રીઓ તેમજ તમામ નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસ, સબ રજિસ્ટ્રાર (જન્મ-મરણ), અને ઓપરેટરો અને પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટર્સ તેમજ જન્મ મરણની એન્ટ્રી કરતા ઓપરેટરોને નવા સી.આર.એસ પોર્ટલમાં જન્મમરણની એન્ટ્રી કરવાની તાલીમ આપવામાં આવી હતી.
—————
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ
