


– ઠાકોરજી સમક્ષ મહાપૂજા કરી વિશ્વ શાંતિ માનવ જીવનના ઉત્કર્ષ માટે આશિષ અને યાચના કરી.
– મંદિર આદિવાસી વિસ્તારમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની હજારો ભક્તોના જીવનમાં સત્સંગ અને ભક્તિની સુવાસ ફેલાવી રહ્યું છે.
ભરૂચ,09 ફેબ્રુઆરી : ભકતિધામ સ્વામિનારાયણ મંદિર નેત્રંગના 28મા પાટોત્સવની ઉજવણી હરિધામના વડીલ સંત પૂ.દાસ સ્વામીજીના પ્રત્યક્ષ સાનિધ્યમાં અને પૂ.ભક્તિવલ્લભ સ્વામીજીના માર્ગદર્શન હેઠળ ખૂબજ ભક્તિભાવ પૂર્વક કરવામાં આવી હતી .જેમાં નેત્રંગ ડેડીયાપાડા અને આસપાસના વિસ્તારના ભાવિક ભક્તો તેમજ વિવિધ સંપ્રદાયના સંતોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શન તેમજ સત્સંગનો લાભ લીધો હતો.પાટોત્સવ નિમિતે મંદિર માં ઠાકોરજી સમક્ષ મહાપૂજા કરી વિશ્વ શાંતિ તેમજ માનવ જીવનના ઉત્કર્ષ માટે આશિષ યાચના કરવામાં આવી હતી.
પાટોત્સવ નિમિત્તે આત્મીય પ્રાર્થના હોલ ખાતે વિશાળ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં હેમંત વસાવા,ધર્મ કિશોર સ્વામીજી,લાભશંકર મહારાજ, રામેશ્વર મહારાજ,ભક્તિવલ્લભ સ્વામીજી અને દાસ સ્વામીજીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું . ભક્તિધામ મંદિર દ્વારા આદિવાસી વિસ્તારના હજારો હરિભક્તોને કેવો લાભ થયો છે તે અંગે જુદા જુદા પ્રસંગો દ્વારા સમજાવ્યું હતું. આ તબક્કે પૂ દાસ સ્વામીજીએ જણાવ્યું હતું કે પૂ.હરિપ્રસાદ સ્વામીજીની કૃપા અને આશીર્વાદ તેમજ ગુરુ હરિ પૂ.પ્રેમસ્વરૂપ સ્વામીજીના માર્ગદર્શનથી આજે આ મંદિર આદિવાસી વિસ્તારમાં શ્રદ્ધાનું કેન્દ્ર બની હજારો ભક્તોના જીવનમાં સત્સંગ અને ભક્તિની સુવાસ ફેલાવી રહ્યું છે. સભા બાદ મંદિરમાં વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. સૌ સંતો તેમજ મહેમાનોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે હરિધામથી હરિપ્રકાશ સ્વામીજી,પૂ.સ્વયમસેવક સ્વામીજી વગેરે વરિષ્ઠ સંતોએ ઉપસ્થિત રહી સૌને દર્શન અને સત્સંગનો લાભ આપ્યો હતો મંદિર દ્વારા સૌ ભક્તો માટે મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
