ભુજ – કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) `નવી ભરતી પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધી મુન્દ્રા તાલુકાની એક પણ શાળા શિક્ષક વિનાની નહીં રહે અને જરૂર પડે દિવાળી પછી પણ શિક્ષણ ન બગડે એ માટે શિક્ષકોની આવી રીતે સંસ્થાકીય રીતે, તંત્રને-શાળાને સહયોગી નિયુકિતઓ થશે તેમજ માત્ર શિક્ષણ નહીં, કોઈપણ પ્રશ્ને માત્ર મુન્દ્રા જ નહીં, સમગ્ર કચ્છ માટે સર્વ સેવા સંઘ ઈમાનદારીપૂર્વકના સેવા કાર્ય માટે હંમેશા સજ્જ રહેશે. `તેવો કોલ આજે સંસ્થા પ્રમુખ જીગર છેડા દ્વારા પ્રાગપર ચોકડી સ્થિત આશાપુરા મંદિર સંકુલમાં આયોજિત સમારોહમાં અપાયો હતો.
આર્થિક યોગદાન સ્વ. તારાચંદ છેડા પરિવાર તરફથી
શિક્ષકોની ઘટનાં પ્રશ્ને સર્વ સેવા સંઘ દ્વારા 11 વર્ષ બાદ ફરી એકવાર `જ્ઞાન જ્યોતિ યોજના’ સાથે પહેલ કરાઈ છે. મુન્દ્રા તાલુકાની પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિકની શાળાઓમાં ખાલી પડેલી જગ્યા પર બાળકોનાં શિક્ષકોને વિપરીત અસર ન થાય એ હેતુસર 150 શિક્ષકોને સંસ્થા દ્વારા સરકારની મંજૂરી-સહયોગથી નિયુકિત પત્રો અનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષકોના વેતનનું આર્થિક યોગદાન સ્વ. તારાચંદભાઈ જગશી છેડા પરિવાર દ્વારા જાહેર થયું છે.
એડવાન્સમાં શિક્ષકોને વેતન અપાશે
તમામ શિક્ષકોને મહિનાના પ્રારંભે વેતન એડવાન્સ જ થશે. તાલુકાનાં અનેક વરિષ્ઠ રાજકીય, સામાજિક, શિક્ષણક્ષેત્ર અને સેવાકીય સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતમાં અને મુન્દ્રા તા. માટે યાદગાર બનેલા કાર્યક્રમમાં અર્પણ કરાયેલા 150 નિયુક્તપત્રોની ખાસિયત એ હતી કે તેમાંથી 141 તો મહિલા ઉમેદવાર પસંદ કરાયા છે અને મોટાભાગના સ્થાનિક ગામના જ છે.
શિક્ષકોને સેવા કરવાની તક, સદુપયોગ કરવા શીખ
કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિ. પં. શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ વાત પર ભાર મૂક્યો હતો કે, બધું સરકાર પર છોડી ન દ્યો, સરકાર એની પ્રક્રિયામાં કામ કરે જ છે. અત્યારે ખૂટતી કડીઓ પૂરવા આપણે કઈ રીતે જોડાઈ શકીયે એ જોવું જોઈએ. સદગત તારાચંદભાઈની આંગળી પકડીને આગળ વધ્યા હોવાનું યાદ કરતાં તેમણે મુન્દ્રા પાડા પ્રકરણ તેમજ દુકાળ, વાવાઝોડાં સમયના સર્વ સેવા સંઘના કાર્યો યાદ કર્યા હતા, સાથે નિયુકત થયેલા શિક્ષકોને શીખ આપી કે ગામની સેવાની આ મોટી તક છે, તેનો સદુપયોગ કરજો.
જરૂર પડશે તો વધુ 50 શિક્ષકોની નિમણૂક કરાશે
સર્વ સેવા સંઘ પ્રમુખ જીગર છેડાએ નિયુક્તિ પત્ર અર્પણ દિવસને પ્રેમ અને પરિવારનો વ્યાપ વધારવાનો દિવસ ગણાવતાં ઉમેર્યું કે, સરકાર સાથે સહભાગીતાથી ઘડાયેલી આ યોજનામાં 200થી વધુ અરજીઓ આવી હતી અને 150 ખાલી જગ્યાઓ ભરાતાં હવે કાયમી શિક્ષકોની નિમણૂક નહીં થાય ત્યાં સુધી શિક્ષણને વિપરીત નહીં થાય. સરકારી પ્રક્રિયા જારી છે ત્યારે ધરણાં, રજૂઆતોને બદલે ઉકેલ શું એ હકારાત્મક વિચાર સર્વ સેવા સંઘે દોહરાવ્યો છે. પિતા સ્વ. તારાચંદભાઈ મંત્રી હતા ત્યારે પણ `પ્રવાસી શિક્ષકો’ ના નામ સાથે આવી સહયોગી ભૂમિકા ભજવી હતી. બે મહિના પછી પણ જરૂર પડશે તો 50 ટકા લોકો ભાગીદારીથી સંસ્થા આ યોજના આગળ વધારવા સજ્જ છે.
સર્વ સેવા સંઘના પ્રમુખનું કરાયું સન્માન
જિ. પ્રા. શિક્ષણાધિકારી ભુપેન્દ્રાસિંહ વાઘેલા તેમજ જિ. માધ્યમિક શિક્ષણાધિકારી સંજય પરમારે પહેલને બિરદાવી સહયોગની ખાતરી આપી હતી. અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા સર્વ સેવા સંઘ પ્રમુખ જીગર છેડાનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં જિ.પં. સદસ્યો દેવશી પાતારીયા, પ્રદ્યુમનાસિંહ જાડેજા, સર્વ સેવા સંઘના ટ્રસ્ટી ગીરીશ છેડા, ટ્રસ્ટી ડો. અશોક ત્રિવેદી, મંત્રી મુકેશ ભટ્ટ, તાલુકા ભાજપ મહામંત્રી જીગ્નેશ હુંબલ, તા. પં. કારોબારી ચેરમેન યુવરાજાસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી વાલજીભાઈ ટાપરિયા વગેરે હાજર રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA
