
સુરત, 21 જાન્યુઆરી(હિ. સ.)-અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ તા.14 થી 22 જાન્યુ.-2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે, જેના ભાગરૂપે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સુરતના શ્યામેશ્વર મહાદેવ મંદિર-વેલંજા, શ્રી પંચદેવ સ્વામિનારાયણ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર-ઘલુડી, શ્રી રાધે કૃષ્ણ મંદિર-વેલંજા તથા શ્રી રામજી મંદિર, રામવાટિકા સોસાયટીના મંદિરો અને મંદિર પરિસરમાં સાફ-સફાઈ કરી હતી.
આ અવસરે મંત્રી એ પ્રભુની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સુખાકારીની કામના કરી હતી. રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ કચરો નહીં નાખવા શિક્ષણમંત્રીએ અપીલ કરી હતી. તેમજ દેશભરમાં સ્વચ્છ શહેરમાં નંબર વનની ઉપમા મેળવનારા, સુરત શહેરને હર હંમેશ સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. સફાઈ ઝુંબેશમાં મંદિરના ટ્રસ્ટીઓ, સ્વામિનારાયણ મંદિરના સંતો કાર્યકરો, સ્થાનિકો, સફાઈકર્મીઓ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
