વડોદરા/અમદાવાદ,08 જાન્યુઆરી (હિ.સ.) સમગ્ર દેશમાં શરૂ થયેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વંચિતો અને લાભાર્થીઓ માટે કલ્યાણકારી પુરવાર થઈ રહી છે. કિશોરીઓમાં કુપોષણ અને એનિમિયા ઘટાડવા તથા પોષણ, આરોગ્ય અને જીવન કૌશલ્ય વિશે શિક્ષણ આપવા માટે ‘પ્રિવેન્શન ઑફ અંડર ન્યુટ્રીશન એન્ડ રીડક્ષન ઓફ ન્યુટ્રીશનલ એનિમિયા એમોંગ એડોલશન્ટ ગર્લ્સ’ (પૂર્ણા) યોજના અમલમાં છે. પૂર્ણ યોજના થકી સક્ષમ અને તંદુરસ્ત બનવામાં વડોદરાના કરજણ તાલુકાના સીમલી ગામની કિશોરી માટે આ યોજના આશીર્વાદ રૂપ બની છે.
વડોદરા જિલ્લામાં કરજણ તાલુકાના સીમલી ગામની પલક પરમારે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત સરકારનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, તેને પોષણ અભિયાન અંતર્ગત પૂર્ણાશક્તિ યોજનાનો લાભ મળ્યો છે. તેને વધુમાં ઉમેર્યું કે, આ યોજના હેઠળ આંગણવાડી કેન્દ્ર પર દર મહિનાના ચોથા મંગળવારે 15 થી 18 વર્ષની કિશોરી હોવાથી પૂર્ણા શક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે. આંગણવાડી ખાતે યોગ, કસરત અને શારીરિક સ્વરછતા વિશે પણ જાણકારી આપવામાં આવે છે. વધુમાં આરોગ્યની ટીમ દ્વારા સમયાંતરે એચ.પી. તપાસ, વજન અને ઊંચાઈ માપીને તંદુરસ્તીની ચકાસણી પણ કરવામાં આવે છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી યોજનાકીય લાભો જાગૃતિના અભાવના કારણે વંચિત લોકો સુધી પહોંચવાનો પ્રયાસ છે. લાભાર્થીએ અન્ય કિશોરીઓને પણ પૂર્ણા શક્તિનો લાભ લઈને તંદુરસ્તીના માર્ગે વધવા અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર/
