
સુરત, 28 ડિસેમ્બર(હિ. સ.)-જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ અને અધિક સિનિયર સિવિલ જજ સી.આર.મોદીના માર્ગદર્શન હેઠળ સાર્થક યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે પનાસ સ્થિત પ્રજ્ઞાનગર ખાતે કાનૂની જાગૃતિ શિબિર યોજાઇ હતી.
આ કાનુની જાગૃતિ શિબિરમાં પેનલ એડવોકેટ ભારતી મુખર્જી દ્વારા કિશોરીઓને કાયદાકીય હકો વિશે,કિશોરીઓ અને સ્ત્રીઓ ઉપર થઈ રહેલા જાતીય હિંસાથી સુરક્ષા,પોકસો એક્ટ અધિનિયમ સાથે વિવિધ દાખલાઓ આપી સમજણ પૂરી પાડી હતી.તેમજ પી.એલ.વી. અને સામાજિક કાર્યકર દીપક જાયસવાલ દ્વારા મહિલા અને કિશોરી માટેના કાયદા કાનૂન, કલ્યાણકારી યોજનાઓ, મફત કાનૂની સહાય, મીડિએસન પ્રક્રિયા વિશે માહિતી પુરી પાડી હતી.૧૮૧ના કાઉન્સિલર નિશાબેન વળવી દ્વારા કિશોરીઓ માટે ચાલતી વિવિધ હેલ્પલાઇન નંબર, વાલીઓ બાળકોને ગુડ ટચ બેડ ટચ વિશે વ્યવસ્થિત માહિતી આપી હતી.
કાનુની શિબિર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓ કાયદાકીય હકો વિશે માહિતગાર કરવાનો હતો.ભવિષ્યમાં ક્યારે તાત્કાલિક મદદની જરૂર હોય એ બાબતનો જરૂરી માહિતીના પેમ્પ્લેટ વિતરણ પણ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, શહેર ની આંગણવાડીઓમાં મહિનાના દર ચોથા મંગળવારે કિશોરીઓ માટે કાયદાકીય શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી હાલમાં બનતી વિવિધ ઘટનાઓથી સાવચેત રહશે.શિબિરમાં આંગણવાડી કાર્યકર શારદા પટેલ અને હેડકોન્સ્ટેબલ કલ્પના પટેલ સહિત બાળકીઓ અને મહિલાઓએ ભાગ લીધો હતો.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે
