
નવી દિલ્હી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે, નવી દિલ્હીમાં કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારમણ સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. નાણા પ્રધાન સીતારમણ સાથે શક્તિકાંત દાસની આ બેઠક, નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની સમીક્ષા બેઠકના લગભગ પખવાડિયા પહેલા થઈ હતી.
નાણામંત્રીના કાર્યાલયે ‘એક્સ’ પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે,” આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે, નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. શક્તિકાંત દાસની આગેવાની હેઠળની, નાણાકીય નીતિ સમિતિ (એમપીસી)ની બેઠક 3 થી 5 એપ્રિલની વચ્ચે યોજાશે. આગામી નાણાકીય વર્ષ 2024-25ની આ પ્રથમ એમપીસીની બેઠક હશે.”
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે,” 1 એપ્રિલ, 2024થી શરૂ થનારી એમપીસીની બેઠકમાં આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે ફુગાવા અને આર્થિક વૃદ્ધિની સ્થિતિ અંગેના અંદાજો રજૂ કરવામાં આવશે. ફેબ્રુઆરીમાં તેની છેલ્લી પોલિસી બેઠકમાં, આરબીઆઈએ આગામી નાણાકીય વર્ષ 2024-25 માટે આર્થિક વૃદ્ધિ દર સાત ટકા અને ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.”
નોંધનીય છે કે, આરબીઆઈએ મંગળવારે જારી કરેલા બુલેટિનમાં જણાવ્યું હતું કે,” ખાદ્યપદાર્થોની કિંમતોનું દબાણ રિઝર્વ બેન્કના ચાર ટકાના લક્ષ્યાંક સુધી ઝડપથી ફુગાવાને લાવવામાં અવરોધ બની રહ્યું છે. જોકે, કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) પર આધારિત છૂટક ફુગાવો ડિસેમ્બરથી નીચે આવ્યો છે, જે ફેબ્રુઆરીમાં 5.09 ટકા હતો.”
