છોટાઉદેપુર, કવાંટ છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ આદિવાસી સમાજની વસ્તી આવેલી છે. આ આદિવાસી સમાજમાં હોળીનો તહેવાર એટલે કે દિવાળી કરતાં પણ આ તહેવારનું મહત્વ વધારે હોય છે. પોતાનું પેટિયું રળવા માટે ગુજરાત તેમજ દેશભરમાં આદિવાસીઓ જે હિજરત કરીને જતા રહ્યા હતા તે તમામ આદિવાસી ભાઈ બહેનો પોતાના વતનમાં હોળીનો તહેવાર કરવા માટે આવી રહ્યા છે. આ હોળીના તહેવારમાં તેઓ વિવિધ માનતાઓ રાખતા હોય છે અને હોળીના તહેવારને મનાવવા માટે વિવિધ ચીજ વસ્તુઓ ખરીદવા તેઓ અઠવાડિક ભરાતા હાટમાં ખરીદી કરવા આવે છે.
સોમવારે કવાટ નગરમાં અઠવાડિક સોમવારનો હાટ હોવાથી કવાટ નગરમાં પ્રજા ઉમટી પડી હતી. સૌથી વધુ ઘરાકી સોનીઓની દુકાનમાં જોવા મળી હતી. આદિવાસી ભાઇઓ બહેનો માત્ર ચાંદીના જ ઘરેણાંઓ બનાવીને પહેરતા હોય છે. જેમાં પુરુષો હાથનું કડું, જ્યારે મહિલાઓ પગના કલ્લા, ગળામાં પહેરવાની હાંસડી, હાર અને અન્ય ઘરેણાં ચાંદીના જ બનાવીને પહેરતા હોય છે. આમ સોમવારના ભંગોરીયાના હાટમાં સૌથી વધુ સોનીઓને ત્યાં ઘરાકી જોવા મળી હતી.
