કોચી, નવી દિલ્હી,7 જુલાઈ (હિ.સ.)
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સોમવારે કેરળના કોચીમાં, નેશનલ યુનિવર્સિટી ઓફ એડવાન્સ્ડ
લીગલ સ્ટડીઝ (એનયુએએલએસ) ના વિદ્યાર્થીઓને
સંબોધતા ન્યાયતંત્રની સ્વતંત્રતાને ટેકો આપ્યો અને તેની પારદર્શિતા અને જવાબદારી
પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા.
ઉપરાષ્ટ્રપતિએ 14 માર્ચે, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના સત્તાવાર
નિવાસસ્થાને આગ લાગવાની ઘટનામાં આગની કાર્યવાહી દરમિયાન મળેલી મોટી રકમ પર તીવ્ર
પ્રતિક્રિયા આપી. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, આ કોઈ નાની બાબત નથી. આટલા પૈસા ક્યાંથી આવ્યા? કોના હતા? આ એક ગુનાહિત
બાબત છે અને તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. હજુ સુધી કોઈ એફઆઈઆર નોંધાઈ નથી, જે ચિંતાનો વિષય
છે. તેમણે કહ્યું કે,” ન્યાયતંત્રમાં તાજેતરની ઘટનાઓ લોકશાહીના પાયાને
હચમચાવી રહી છે. જો લોકો ન્યાયતંત્રમાંથી વિશ્વાસ ગુમાવશે, તો દેશ ગંભીર
મુશ્કેલીમાં મુકાશે.”
તેમણે નિવૃત્ત ન્યાયાધીશોને આપવામાં આવતી પોસ્ટિંગ પર પણ
ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે,” જ્યારે દરેકને પોસ્ટિંગ આપવામાં આવતી નથી અને
ફક્ત થોડા જ લોકોને આપવામાં આવે છે, ત્યારે તે પસંદગીમાં પક્ષપાત અને આશ્રયની સંસ્કૃતિને જન્મ
આપે છે. આ ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર સીધો પ્રહાર છે.”
કટોકટી દરમિયાન બંધારણના પ્રસ્તાવનામાં સુધારા પર ટિપ્પણી
કરતા તેમણે કહ્યું કે,” આ એવા સમયે થયું જ્યારે લાખો લોકો જેલમાં હતા. મૂળભૂત
અધિકારો સંપૂર્ણપણે સ્થગિત હતા. પ્રસ્તાવનામાં ફેરફાર કરવો લોકશાહી મૂલ્યોની
વિરુદ્ધ હતો.” તેમણે કહ્યું, તમે માતાપિતા બદલી શકતા નથી, તેવી જ રીતે બંધારણના પ્રસ્તાવનામાં પણ ફેરફાર
ન કરવો જોઈએ.
બંધારણમાં સત્તાના વિભાજનના સિદ્ધાંતને સર્વોપરી ગણાવતા
તેમણે કહ્યું કે,” કારોબારી, ન્યાયતંત્ર અને વિધાનસભાએ પોતપોતાની મર્યાદામાં કામ કરવું
જોઈએ, નહીં તો લોકશાહી
જોખમમાં મુકાઈ શકે છે.”
હિન્દુસ્થાન સમાચાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
