નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) સુપ્રીમ કોર્ટે બિલકિસ બાનો કેસમાં દોષિતોને સમય પહેલા મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો છે. જસ્ટિસ બી.વી. નાગરથનાની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, મુક્તિ અંગે નિર્ણય લેવાનો અધિકાર ગુજરાત સરકારને નહીં, મહારાષ્ટ્ર સરકારને છે. ગુનો ભલે ગુજરાતમાં થયો હોય, પરંતુ ગુજરાત સરકારને નિર્ણય લેવાની સત્તા નથી, કારણ કે તેની મહારાષ્ટ્રમાં ટ્રાયલ ચાલી રહી છે.
સુપ્રીમ કોર્ટે 12 ઓક્ટોબર 2023 માટે નિર્ણય અનામત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, અમે મુક્તિ નીતિ પર સવાલ નથી ઉઠાવી રહ્યા, પરંતુ માત્ર આ લોકોને આપવામાં આવેલી છૂટ પર સવાલ ઉઠાવી રહ્યા છીએ. સુનાવણી દરમિયાન દોષિતો તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ લુથરાએ કહ્યું હતું કે, જો આજીવન કેદની સજા પામેલા દરેક વ્યક્તિને સુધારાની તક આપવામાં આવે તો પણ ગુનો જઘન્ય હોવાના આધારે સુધારાને રોકી શકાય નહીં. કોર્ટે કહ્યું હતું કે, અમે બીજા પ્રશ્ન પર છીએ કે, છૂટ આપવી યોગ્ય છે કે નહીં. અમે માફીની વિભાવનાને સમજીએ છીએ, જે સાર્વત્રિક રીતે સ્વીકૃત છે પરંતુ અહીં આપણો પ્રશ્ન સજાની માત્રા પર નથી. અમે પહેલીવાર મુક્તિના મુદ્દા સાથે કામ કરી રહ્યા નથી. ત્યારે લુથરાએ કહ્યું કે, 15 વર્ષની જેલની સજા એ પૂરા જીવનની સજા છે.
24 ઓગસ્ટ 2023ના રોજ, કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે, કેવી રીતે સત્તાધિકારીઓએ ગુનેગારોને મુક્ત કરવા પર, સ્વતંત્ર વિવેકબુદ્ધિનો ઉપયોગ કર્યો. ઓથોરિટી આખરે રીલીઝ પર સર્વસંમતિ કેવી રીતે પહોંચી? 17 ઓગસ્ટ 2023ના રોજ કોર્ટે, ગુજરાત સરકારને કડક સૂરમાં પૂછ્યું હતું કે, આ મુક્તિની નીતિનો લાભ માત્ર બિલકિસના ગુનેગારોને જ, કેમ આપવામાં આવ્યો? જેલ કેદીઓથી ભરેલી છે. બાકીના ગુનેગારોને આવા સુધારાની તક કેમ ન આપવામાં આવી? કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે, નવી નીતિ હેઠળ કેટલા દોષિતોને મુક્ત કરવામાં આવ્યા? બિલકિસના ગુનેગારો માટે, સલાહકાર સમિતિની રચના કયા આધારે કરવામાં આવી? જ્યારે ગોધરા કોર્ટમાં કેસની સુનાવણી થઈ ન હતી, તો ત્યાંના જજ પાસેથી અભિપ્રાય કેમ માંગવામાં આવ્યો?
9 ઓગસ્ટના રોજ, બિલકિસ વતી કહેવામાં આવ્યું હતું કે, નિયમો હેઠળ તેણે તેને દોષિત ઠેરવનારા જજ પાસેથી અભિપ્રાય લેવો પડશે. જેમાં મહારાષ્ટ્રના દોષિત ઠેરવનારા જજે કહ્યું હતું કે, ગુનેગારોને રાહત ન આપવી જોઈએ.
ડિસેમ્બર 2022 માં, સુપ્રીમ કોર્ટે બિલકીસ બાનોના દોષિતોને મુક્ત કરવા સંબંધિત કેસમાં, દાખલ કરવામાં આવેલી બિલકિસની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. બિલકિસ બાનોની સમીક્ષા અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, 13 મે 2022ના આદેશ પર પુનર્વિચાર કરવામાં આવે. 13 મે 2022ના આદેશમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સામૂહિક બળાત્કારના દોષિતોની મુક્તિમાં, 1992માં બનેલા નિયમો લાગુ થશે. તેના આધારે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / મુકુંદ / હિતેશ/માધવી
