ગાંધીનગર, 29 ડિસેમ્બર(હિ.સ.): આજે આલમપુર માર્કેટ ખાતે ગાંધીનગરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીમાં ખેડૂત વિભાગ વેપારી વિભાગ અને સંઘ વિભાગની મળી કુલ ૧૬ બેઠકો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે વેપારી વિભાગની ચારેય બેઠકો બિનહરીફ થઈ છે. જ્યારે સંઘની બે બેઠકો માટે જે ફોર્મ રજૂ થયા હતા તે યાર્ડ સાથે પાંચ લાખના વેપારની લિમિટના મુદ્દે રદ કરવામાં આવ્યા હતા. જેના કારણે માત્ર ખેડૂત વિભાગની જ 10 બેઠક પર મતદાન થશે. આ ચૂંટણીમાં ખરો જંગ ખેડૂત પેનલમાં જામ્યો છે જેમાં કુલ 10 બેઠકો માટે મેદાનમાં 17 ઉમેદવારો છે જે પૈકી ભાજપ પ્રેરિત પેનલના 10 ઉમેદવારો સામે સાત ઉમેદવારો જ હોવાથી આ જંગ એક તરફી બની રહેશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
જેના પગલે એપીએમસીની ચૂંટણીમાં પણ ભાજપની જીત થાય તે નિશ્ચિત જણાય છે. એક મતદાર 10 મત આપી શકશે એટલે હરીફ પેનલ ને મત આપનાર મતદાતાને પેનલના ત્રણ ઉમેદવારોને તો ફરજિયાત મત આપવા પડશે જેથી મતોનો ધ્રુવીકરણ ભાજપ પ્રેરિત પેનલ તરફથી રચાય શકે છે, જે પેનલને જંગી બહુમતીથી જીત અપાવશે. ચૂંટણીને લઈને આજે પાલનપુર શાકમાર્કેટયાડનું કામકાજ બંધ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર/અભિષેક બારડ
