રાજકોટ/અમદાવાદ,14 એપ્રિલ : લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ
(સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે.આ ઉપરાંત ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં મતદાન વધારવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે.
74 જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં મદદનીશ ચૂંટણી અધિકારી જય ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. જામકંડોરણા તાલુકાના મામલતદાર કે.બી. સાંગાણીની રાહબરીમાં સાતોદડ ગામે મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ સાથે ગ્રામીણ લોકોને તેમની જ ભાષામાં મતદાનનું મહત્ત્વ સમજાવતા નાટક-ભવાઈ કાર્યક્રમ પણ યોજાયા હતા. જેમાં મનોરંજન સાથે અચૂક મતદાન અંગે જાગૃતિ લાવવામાં આવી હતી.
આજરોજ લોધિકામાં તાલુકા સેવા સદન ખાતે રેશનકાર્ડ, આધારકાર્ડ અને અન્ય વિવિધ સેવાઓ માટે આવતા અરજદારોને મતદાન જાગૃતિનું મહત્ત્વ સમજાવતા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ઉપરાંત 72-જસદણ વિધાનસભા મત વિસ્તારમાં વિંછિયા મામલતદાર કચેરી ખાતે એ.ટી.વી.ટી.માં આવતા અરજદારો માટે ખાસ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મતદારોને જાગૃત કરવા સાથે મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ઉપરાંત ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અંગે શપથ લેવામાં આવ્યા હતા.
