જુનાગઢ, 8 ફેબ્રુઆરી : રાજ્ય સરકારશ્રીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૦/૨/૨૦૨૪ ના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકારશ્રીની અમલીકૃત પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિન દયાલ ઉપાધ્યાય આવાસ યોજનાઓના સમગ્ર રાજ્યમાં આવાસ યોજનાના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ/ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી લાભાર્થીઓ સાથે ટુ વે સંવાદ કરશે.
આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લામાં યોજાવાનો છે અને તેમાં વર્ચ્યુએલી વિવિધ જિલ્લાઓ જોડાવાના છે જે અંતર્ગત જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્ય સાથે જૂનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભામાં આવાસ યોજનામાં મકાનોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કાર્યક્રમ યોજાનાર છે. જે અન્વયે ૮૫ – માણાવદર વિધાનસભાનો એ.પી.એમ.સી. માર્કેટીંગ યાર્ડ વંથલી ખાતે, ૮૬ – જૂનાગઢ વિધાનસભાનો કૈલાશ ફાર્મ, જૂનાગઢ ખાતે, ૮૭ – વિસાવદર વિધાનસભાનો નગર પંચાયત શાળા નગર પાલીકા ગ્રાઉન્ડ વિસાવદર ખાતે, ૮૮- કેશોદ વિઘાનસભાનો આહિર સમાજ વાડી, કેશોદ ખાતે અને ૮૯- માંગરોળ વિધાનસભાનો ટાવર ચોક ક્રિકેટ ગ્રાઉંડ, માંગરોળ ખાતે કાર્યક્રમ યોજાનાર છે.
આ વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મેયરશ્રી, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, અન્ય પદાઘિકારીઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહી આવાસ યોજનાનાં લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે.
તા.૧૦ ફેબ્રુઆરીના રોજ આયોજિત આ કાર્યક્રમમા જૂનાગઢ જિલ્લાના આવાસ યોજનાના કુલ ૧૭૧૨ આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં ભેંસાણ તાલુકામાં ૧૧૫, જૂનાગઢ તાલુકામાં ૧૯૬, કેશોદ તાલુકામાં ૧૧૯, માળિયાહાટીના તાલુકામાં ૪૦૫, માણાવદર તાલુકામાં ૧૧૯, માંગરોળ તાલુકામાં ૪૫૨, મેંદરડા તાલુકામાં ૭૫, વંથલી તાલુકામાં ૮૦, અને વિસાવદર તાલુકામાં ૧૫૧ આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાલ આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજનાના આવાસોનો સમાવેશ થાય છે. આ તકે રૂ.૨૬.૭૯ કરોડના ખર્ચે આવાસોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થનાર છે.
