પોરબંદર : મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત રાજ્ય દ્વારા પ્રેરિત અને ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી. લાખાણી માર્ગદર્શિત અને ટીપ, નોડલ ઓફિસર, જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સ વિ.કે.પરમારના સયુંકત ઉપક્રમે મતદાર જાગૃતિ અભિયાનનું આયોજન અવર નવાર કરવામાં આવે છે. 22 થી 7 મે સુધીનો મતદાર જાગૃતિ અંગેનો ઇન્ટેન્સિવ પ્રોગ્રામ દર્શાવવામાં આવ્યો હોવા સંદર્ભે 5 ના રોજ સમગ્ર ગુજરાતમાં રન ફોર વોટનું આયોજન થવા જઈ રહ્યું છે. પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા તા. 5 મેના એક વિશાળ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. રન ફોર વોટના આ કાર્યક્રમમાં નેવી, કોસ્ટ ગાર્ડ, પોલીસ જવાનો, પોરબંદર જિલ્લાના સંકલન અધિકારીઓ અને વિવિધ કચેરીઓનો સ્ટાફ, શિક્ષકો, શાળા અને કોલેજના ભાવી મતદાર એવા યુવાનો, પોરબંદરની સેવાભાવી એનજીઓના સદસ્યો સહિત અનેક નગરજનોને બહોળી સંખ્યામાં આ રેલીમાં હાજર રહી સમગ્ર સમાજને મતદાર જાગૃતિનો સંદેશ પૂરો પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. રન ફોર વોટની શરૂઆત કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપીને પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ કરી, પેરેડાઇઝ ફુવારા, જુના ફુવારા, એમ.જી. રોડ, ખાદી ભંડારથી આર્ય સમાજ રોડ, એસ.ટી બસ સ્ટેન્ડ થઈ, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રોડ પર પુનઃ પરેડ ગ્રાઉન્ડ સુધી રેલી યોજાશે. ઉપરાંત રન ફોર વોટ યાત્રા પોરબંદરના મુખ્ય માર્ગો પર નીકળશે. આ કાર્યક્રમમાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર નગરજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમને રેલીમાં જોડાવું હોય તેમણે 5 મે રવિવારના રોજ સવારે 6.45 થી 7.15 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
