ભુજ – કચ્છ, 19 ઓગસ્ટ (હિ.સ.) દેશના પશ્ચિમી ક્ષેત્ર માટે મહત્ત્વના એવા કચ્છના કંડલા મહાબંદરને ડ્રોન વિરોધી સુરક્ષા કવચ આપવા માટેની તૈયારીઓ આદરવામાં આવી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ માટેની જરૂરી કાર્યવાહી પણ આદરવામાં આવી છે. પહેલગામ હુમલા બાદ ઓપરેશન સિંદૂર બાદ મહત્ત્વના એવા આ મહાબંદરની સુરક્ષા મજબૂત કરવાની દિશામાં આ પગલું લેવામાં આવ્યું હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન કચ્છમાં ડ્રોન દેખાયા હતા
ઓપરેશન સિંદૂર દરમ્યાન કંડલા બંદરે પણ દુશ્મન દેશનાં ડ્રોન દેખાયાં હતાં. જો કે, તમામ ડ્રોનને તોડી પાડવામાં આવ્યાં હતાં. ઓપરેશન દરમ્યાન મહાબંદરે બ્લેક આઉટ કરવો પડયો હતો, પરંતુ હવે દુશ્મન દેશના કારસાને વિફળ બનાવવા માટે કંડલા મહાબંદરે ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરવા માટે કવાયત આદરવામાં આવી છે. કંડલામાં હજારોની સંખ્યામાં ટેન્ક ફાર્મ, ગોદામો સહિતની માળખાંકીય સુવિધાઓ ઊભી થયેલી છે, ત્યારે મહાબંદરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પદ્ધતિ વિકસાવવા આયોજન ઘડાયું છે.
15 કિ.મી દૂરથી જ નષ્ટ કરી શકાય તેવી સિસ્ટમ
સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દૂરથી જ દુશ્મન દેશના મનસૂબાને ઓળખી તેના સિગ્નલ જામ કરી ડ્રોનને 15 કિ.મી. પહેલાં જ નષ્ટ કરી શકાય તેવી સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. અંતરંગ વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ પ્રકલ્પ માટે માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે અને વ્યાપક વિસ્તારમાં ચાર ડ્રોન વિરોધી સિસ્ટમ તૈનાત કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA
