નવી દિલ્હી, 19 ઓગસ્ટ (હિ.સ.). મંગળવારે ભારતની મુલાકાતના બીજા દિવસે, ચીનના વિદેશ મંત્રી વાંગ યી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજિત ડોભાલને મળ્યા બાદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળશે. વાંગ યીનો આ પ્રવાસ, સરહદ વિવાદ પર વિશેષ પ્રતિનિધિઓ (એસઆર) સંવાદના નવા રાઉન્ડ માટે છે. વાંગ યી અને અજિત ડોભાલ બંને દેશો વચ્ચે સરહદી વાટાઘાટોમાં વિશેષ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.
ચીનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જૂન 2020 માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી તે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાના પ્રયાસોનો પણ એક ભાગ છે. સોમવારે તેમની મુલાકાતના પહેલા દિવસે, વાંગ યી વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા, જેમાં જયશંકરે કહ્યું કે, મજબૂત સંબંધોનો પાયો ત્યારે જ નંખાઈ શકે છે, જ્યારે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવામાં આવે. આ સાથે, એ પણ મહત્વપૂર્ણ છે કે ડી-એસ્કેલેશન પ્રક્રિયા પણ વધે.
હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
