રાજકોટ/અમદાવાદ,21 ઓકટોબર (હિ.સ.) મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના વીટ્રીફાઈડ ટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ મુકેશ કુંડારિયા જણાવે છે કે ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીના હબ ગણાતા મોરબીમાં સિરામિક પાર્કનું નિર્માણ થતા નવું રોકાણ લાવવામાં સહાય મળશે. તેમજ મોરબી સિરામિક એસોસિએશનના રાજકોટ એન્જીનીયરિંગએસોસિએશન સાથે સમજૂતી કરાર થવાથી સિરામિક ઉદ્યોગની મશીનરીના પાર્ટ્સ ચીનથી આયાત કરવાના બદલે રાજકોટમાં બનાવવામાં આવશે તો વિદેશી હુંડીયામણની બચત થઇ શકશે. આ વર્ષે મોરબીના સિરામિક ઉદ્યોગમાં રૂ. પાંચથી સાત હજાર કરોડનું રોકાણ પણ આવી રહ્યું છે. આથી, સિરામિક ઉદ્યોગ મોરબીની પ્રગતિને વધુ તેજ બનાવવામાં મદદરૂપ થઇ શકે છે.
તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માનતા કહ્યું હતું કે સરકાર સાથે એમ.ઓ.યુ. કરવાથી
કંપનીને લાયસન્સ, વીજજોડાણ અને ગેસ કનેક્શન સહિતની કામગીરીમાં સરળતા રહે છે. આ રીતે રાજ્યસરકાર વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ઉદ્યોગ ક્ષેત્રે નવું રોકાણ, નવી ટેકનોલોજી લાવવા સતત પ્રયત્નશીલ હોય છે, જે પ્રશંસનીય છે.
હિન્દુસ્થાન સમાચાર/
