નાગપુર, નવી દિલ્હી, 22 ઓક્ટોબર : આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ડાબેરી નેતાઓની મદદથી પોતાના કાર્યકરોને તાલીમ આપી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી નાગપુર સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં આવા તાલીમ કાર્યક્રમો ચાલી રહ્યા છે. કોમ્યુનિસ્ટ અને કોંગ્રેસ વચ્ચેના આવા ગઠબંધનના કારણે કોંગ્રેસ શહેરી નક્સલવાદીઓ દ્વારા નિયંત્રિત હોવાનો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આક્ષેપ ફરી એકવાર રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
વડાપ્રધાન મોદીએ 25 સપ્ટેમ્બરે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક રેલીમાં કહ્યું હતું કે, કોંગ્રેસ એક કંપની બની ગઈ છે અને પાર્ટીએ નીતિઓ, વિચારો અને યોજનાઓનું આઉટસોર્સિંગ શરૂ કરી દીધું છે. વડાપ્રધાને આક્ષેપ કર્યો હતો કે, શહેરી નક્સલવાદીઓ કોંગ્રેસ ચલાવી રહ્યા છે. ડાબેરીઓ દ્વારા કોંગ્રેસીઓની તાલીમ વડાપ્રધાનના આરોપને બળ આપે છે. કોંગ્રેસના ઘણા નેતાઓ તો ધીમા અવાજે કહે છે કે, કોંગ્રેસનું ‘ભારત જોડો અભિયાન’ ડાબેરીઓના ખ્યાલ પર આધારિત હતું.
કોંગ્રેસના પદાધિકારીઓએ જણાવ્યું છે કે, તુષાર ગાંધી અને યોગેન્દ્ર યાદવે નાગપુરના કસ્તુરબા ભવનમાં કોંગ્રેસના પદાધિકારીઓનું કાઉન્સેલિંગ કર્યું છે. દરમિયાન કોંગ્રેસના ભારત જોડો અભિયાન અંતર્ગત ‘લોકસભા મિશન 24’ નામના પ્રશિક્ષણ વર્ગને લઈને પણ ભારે ચકચાર જાગી છે. જણાવવામાં આવ્યું છે કે, રત્નાગીરી અને નાગપુરમાં ત્રણ દિવસીય ઓનલાઈન અને બે દિવસીય ઓફલાઈન ટ્રેનિંગ આપવામાં આવી છે. જેમાં ડાબેરી વિચારકોએ સમજાવ્યું છે કે, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે બૂથથી લઈને વિધાનસભા મતવિસ્તાર સુધીની યોજના કેવી રીતે બનાવવી જોઈએ. તેમને એ પણ સમજાવવામાં આવ્યું કે સરકારથી અસંતુષ્ટ લોકો આમાં મદદરૂપ થઈ શકે છે. તેથી આવા લોકોને શોધીને મજબૂત નેટવર્ક બનાવી શકાય છે. યુવાનો, વિદ્યાર્થીઓ અને મજૂરોને આ નેટવર્ક સાથે સરળતાથી જોડી શકાય છે, જેથી સરકારની નીતિઓ વિરુદ્ધ ઝુંબેશ ચલાવી શકાય. કાયદાના નિષ્ણાતો અને સોશિયલ મીડિયામાં સક્રિય લોકોને જોડીને આપણે ઉદ્દેશ્યની નજીક જઈ શકીએ છીએ.
એવું જણાવવામાં આવ્યું છે કે, તાલીમાર્થીઓને મોકલવામાં આવેલા સંદેશામાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, યોગેન્દ્ર યાદવ, શશિકાંત સેંથિલ, ઉલકા મહાજન, સંજય ગોપાલ વગેરે કેમ્પમાં નિષ્ણાત માર્ગદર્શક તરીકે હાજર રહેશે. આ ગઠબંધન પર વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક એલટી જોશી કહે છે કે, જ્યારે પણ કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે આવ્યા છે ત્યારે દેશને ચોક્કસ નુકસાન થયું છે. ડાબેરીઓએ 1967-68માં ઈન્દિરા ગાંધીની લઘુમતી સરકારને બિનશરતી ટેકો આપ્યો અને બદલામાં તમામ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ પર કબજો કર્યો. હવે રાહુલ ગાંધીની કોંગ્રેસ ડાબેરીઓની સાથે ચીનની પહેલ અને મદદથી આગળ વધી રહી છે. રાજકારણમાં દરેક વસ્તુનું મૂલ્ય હોય છે. અને આ જોડાણની કિંમત, ભારત અને ભારતીય સમાજે ચૂકવવી પડશે.
