નવી દિલ્હી, 02 ફેબ્રુઆરી : આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કથિત દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસમાં આજે (શુક્રવારે) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર નહીં થાય. પહેલાની જેમ, પાર્ટીએ ઇડી ના આ સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યું છે.
ઇડી એ, મુખ્યમંત્રી કેજરીવાલને પાંચમું સમન્સ જારી કર્યું છે અને આજે તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. છેલ્લા ચાર સમન્સ પર પણ કેજરીવાલ ઇડી સમક્ષ હાજર થયા નથી. કેજરીવાલે અગાઉ 2 નવેમ્બર, 21 ડિસેમ્બર, 3 જાન્યુઆરી અને 18 જાન્યુઆરીએ ઈડી સમક્ષ હાજર થવાનો ઈન્કાર કર્યો હતો. ઇડી ને મોકલવામાં આવેલા પોતાના જવાબમાં કેજરીવાલે સમન્સને ગેરકાયદેસર અને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા.
નોંધનીય છે કે, આ કેસમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ઇડી ની ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલનું નામ પણ છે. આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહ જેલમાં છે.
