નવી દિલ્હી, 30 ડિસેમ્બર (હિ. સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા પહોંચી રહ્યા છે. તેઓ અયોધ્યામાં નાગરિક સુવિધાઓના સુધારણા અને વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓના વિકાસ માટે, રૂ. 11,100 કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મુખ્ય કાર્યક્રમોમાં અયોધ્યા એરપોર્ટ અને નજીકના, શ્રી રામ મંદિરના સ્થાપત્યને દર્શાવતી ટર્મિનલ બિલ્ડિંગના અગ્રભાગનું ઉદ્ઘાટન અને અયોધ્યાધામ જંકશન રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન સામેલ છે. પીઆઈબીના જાહેરનામામાં આ માહિતી આપવામાં આવી છે.
પીઆઈબીના એક રીલીઝ મુજબ, વડાપ્રધાન બે નવી અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ સાથે દેશમાં અમૃત ભારત ટ્રેનનું સંચાલન શરૂ થશે. તેઓ છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે. વડાપ્રધાન નજીકના શ્રી રામ મંદિર સુધી પહોંચ વધારવા માટે ચાર નવા વિકસિત, પહોળા અને સૌંદર્યલક્ષી રસ્તાઓનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન મોદી અયોધ્યાધામમાં રૂ. 2180 કરોડથી વધુના ખર્ચે વિકસિત ગ્રીનફિલ્ડ ટાઉનશિપ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. આ સિવાય તેઓ ઉત્તર પ્રદેશમાં રૂ. 4600 કરોડથી વધુના મૂલ્યની વિવિધ અન્ય મહત્વપૂર્ણ યોજનાઓનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમના એક્સ હેન્ડલ પર ખુશી વ્યક્ત કરી અને લખ્યું, ‘અમારી સરકાર વિશ્વસ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા, કનેક્ટિવિટી સુધારવા અને ભગવાન શ્રી રામની શહેર અયોધ્યાની સમૃદ્ધ વારસાને જાળવવા માટે પ્રતિબદ્ધ છે. આ દિશામાં હું આવતીકાલે નવનિર્મિત એરપોર્ટ અને પુનઃવિકાસિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરીશ. આ સાથે, મને ઘણી વધુ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસનો લહાવો પણ મળશે, જે અયોધ્યા અને યુપી સહિત દેશના ઘણા વિસ્તારોમાં મારા પરિવારના સભ્યોનું જીવન સરળ બનાવશે. વડાપ્રધાન, સૌપ્રથમ આજે સવારે લગભગ 11:15 વાગ્યે પુનર્વિકાસિત અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે અને નવી અમૃત ભારત ટ્રેનો અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / ડો. હિતેશ /માધવી
