સુરત, 30 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના ગ્રામજનો સુધી પહોંચે તેવા આશયથી માંડવી તાલુકાના આંબા ગામે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ યોજાઈ હતી. સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ગ્રામીણ, ટ્રાઈબલ તાલુકામાં સરકારની યોજનાકીય સ્ટોલ દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપ્યું છે. આદિવાસીઓના સર્વાંગી ઉત્થાન માટે સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ લાખો આદિવાસી બંધુઓ લઈ રહ્યા છે, સરકાર દ્વારા આદિવાસી દિકરા-દીકરીઓને વિદેશ અભ્યાસ માટે ૧૫ લાખની લોન સહાય, ડોકટર બનવા માટે નાણાકીય સહાય, પાયલોટ બનવા માટે ૨૫ લાખની લોન સહાય ૪ટકાના નજીવા વ્યાજદરે આપવામાં આવે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકાર પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોચાડવા સરકાર કટિબધ્ધ છે. વિકસિત ભારત યાત્રા યોજનાકીય લાભોથી વંચિત રહેલા નાગરિકોને લાભાન્વિત કરવાનું માધ્યમ બની છે. આયુષ્માન કાર્ડ થકી ૧૦ લાખ સુધીની કેશલેસ આરોગ્ય સારવાર સુવિધા ઉપલબ્ધ કરાવી છે. સુરત જિલ્લામાં સિકલસેલ એનીમિયાના દર્દીઓને સારવાર માટે રૂ.૪૦ હજારની સહાય આપવામાં આવતી હોવાનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ છેવાડાના ગરીબ,મધ્યમવર્ગના લોકોના હિત માટે સરકાર હરહંમેશા પ્રયત્નશીલ હોવાનો મત વ્યક્ત કરી સરકારની યોજનાઓનો બહોળો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતિ ભાવિનીબેન પટેલે જણાવ્યું કે,વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી ગીરીબ મધ્યમવર્ગી વિસ્તારના લોકોને યોજનાકીય લાભો ઘરઆંગણે મળે એવો પણ આગવો હેતુ છે. ગામડાઓ-ગીરીબ મધ્યમવર્ગી છેવાડાના વિસ્તારોના સર્વાંગી વિકાસની નેમ સાથે ૨૨ જેટલી આદિજાતિ યોજનાઓના લાભો આપવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. વર્ષ ૨૦૪૭ના વિકસિત ભારતના નિર્માણ માટે સજ્જ બની યોગદાન આપવાનું તેમણે આહ્વાન કર્યું હતું.
આ અવસરે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલે લોકોના હિત માટે અમલી બનાવેલી કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, જ્યારે દેશના ગામડાઓ વિકસિત બનશે ત્યારે જ દેશ વિકસિત બનશે. ગામોના વિકાસ માટે સરકારની દરેક યોજનાઓના લાભ ૧૦૦ ટકા ઘરેઘર પહોંચે તે માટે લોકોને જાગૃત બનવા જણાવ્યું હતું. આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયુ હતું. તેમજ લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી ગીતાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્યશ્રી ગીતાબેન પટેલ,જિલ્લા પંચાયત સભ્યશ્રી અનિલભાઈ ચૌધરી,તાલુકા પંચાયત સભ્ય શ્રીમતી પુષ્યાબેન, શાસક પક્ષના નેતાશ્રી મીનાક્ષીબેન ચૌધરી, એસોશિએશનના પ્રમુખશ્રી કમલેશભાઇ ચૌધરી,અગ્રણીશ્રીદિનેશભાઇ પટેલ, રેમાબેન ચૌધરી, મીનાક્ષીબેન ગામતી, મામલતદારશ્રી મનિષભાઇ પટેલ,માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી,સરપંચશ્રી રીટાબેન વસાવા,તલાટી-કમ-મંત્રીશ્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી વર્કર, તેડાગર, સખી મંડળની બેહેનો અને અન્ય વિભાગના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/માધવી
