ઝાંસી, નવી દિલ્હી, 18 નવેમ્બર (હિ.સ). ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં, સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) અને મઉરનીપૂર પોલીસની સંયુક્ત ટીમે શનિવારે સિતૌરા રોડ પર એન્કાઉન્ટરમાં રૂ. 1.25 લાખના ઇનામી ગુનેગારને ઠાર માર્યો હતો. આ દરમિયાન એસટીએફના ડેપ્યુટી એસપી અને ઈન્સ્પેક્ટરને પણ ગોળી વાગી હતી, પરંતુ તેઓ બુલેટપ્રૂફ જેકેટ પહેરેલા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.
વરિષ્ઠ પોલીસ અધિક્ષક રાજેશ એસ. એ આની પુષ્ટિ કરી અને કહ્યું કે, પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ઈનામી ગુનેગારની ઓળખ રશીદ કાલિયા ઉર્ફે ગૌડા ઉર્ફે બીરુ તરીકે થઈ છે, જે ચકેરી, કાનપુર નગરનો રહેવાસી છે. કાનપુર પોલીસ કમિશનરેટે તેના પર 1 લાખ રૂપિયા અને ઝાંસી પોલીસે તેના પર 25 હજાર રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
એસટીએફને બાતમી મળી હતી કે, એક ઇનામી ગુનેગાર મઉરનીપૂર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ, એક વ્યક્તિને સોપારી આપીને હત્યા કરવા જઈ રહ્યો છે. આ પછી, એસટીએફ અને મઉરનીપૂર પોલીસની સંયુક્ત ટીમ એક્શનમાં આવી અને શનિવારે સવારે તેને સિતૌરા રોડ પર ઘેરી લીધો. પોતાને ઘેરાયેલો જોઈને બદમાશોએ પોલીસ પર ગોળીબાર કર્યો. જવાબી કાર્યવાહીમાં તે પોલીસની ગોળીઓથી ઘાયલ થયો હતો. તેને સીએચસી મઉરનીપૂર લઈ જવામાં આવ્યો, જ્યાંથી તેને મેડિકલ કોલેજમાં રીફર કરવામાં આવ્યો. પરંતુ મેડિકલ કોલેજ પહોંચે તે પહેલા જ તેનું મોત થયું હતું. તેની પાસેથી ફેક્ટરી બનાવટ ની પિસ્તોલ, બે મેગેઝીન, એક જીવતો કારતૂસ, એક પિસ્તોલ, એક તમંચો અને એક મોટરસાયકલ મળી આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર/મહેશ/દીપક/મોહિત / ડો. હિતેશ
