– જાહેર માર્ગોની સફાઈ તેમજ દિવાળી નિમિત્તે ફોડવામાં આવેલા ફટાકડાનો કચરો એકઠો કરી નિકાલ કરવામાં આવ્યો
અમરેલી/અમદાવાદ,18 નવેમ્બર (હિ.સ.) બે માસના મહા સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ ગામડાઓમાં સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. આ ઝુંબેશના ભાગરુપે ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળી નિમિત્તે ફોડવામાં આવેલા ફટાકડાનો કચરો એકઠો કરી નિકાલ કરવામાં આવ્યો હતો. આ સપ્તાહની સ્વચ્છતા થીમ અંતર્ગત લીલીયા તાલુકાના મોટા લીલીયા, ભોરિંગડા, ભેંસવડી સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી દિવાળીના તહેવાર અંતર્ગત ફોડવામાં આવતા ફટાકડાનો કચરો એકઠો કરી અને ગામના જાહેર માર્ગોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જ્યારે અમરેલી જિલ્લાના વડીયા ગામે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત નગરના વિવિધ માર્ગો પરથી કચરો સાફ કરી અને બજાર સહિતના જાહેર માર્ગોની સફાઈ કરવામાં આવી હતી.
સ્વચ્છતા અભિયાન અંતર્ગત સપ્તાહના પ્રતિ રવિવારે આગામી 16 ડિસેમ્બર સુધી મેગા સ્વચ્છતા ડ્રાઈવ યોજાશે. આ કડીના ભાગરુપે આગામી 19 નવેમ્બરના રોજ અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાંરાજ્યમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ના વપરાશ અને નિકાલ અંગેની જાગૃતિ અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનું કલેક્શન કરવામાં આવશે. તદ ઉપરાંત એક્યુલન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત હોય ત્યાં રીનોવેશન, અપગ્રેડેશન સહિતની કામગીરી કરવામાં આવશે. સ્વચ્છતા ઝુંબેશના આ સેવાયજ્ઞમાં સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામીણ)ના કર્મયોગીઓ, સ્થાનિકો સ્વયંભૂ જોડાઈ અને સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવવા માટે પ્રયત્નશીલ છે.
હિન્દુસ્થાન સમાચાર/
