બીજાપુર, નવી દિલ્હી, 16 ડિસેમ્બર (હિ.સ.) છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનમાં સુરક્ષા દળોએ શનિવારે બીજાપુરમાં મોટી કાર્યવાહી કરી અને તેમના કેમ્પને તોડી પાડ્યા. અથડામણ બાદ નક્સલવાદીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાસ્થળેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો છે.
બીજાપુરના ગંગાલુર પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, પેદાકોરમાના જંગલોમાં નક્સલવાદી કમાન્ડર અને ગંગાલુર વિસ્તાર સમિતિના કમાન્ડર દિનેશ મોડીયમ અને એલઓએસ કમાન્ડર દુલા કારમ, ગંગાલુર વિસ્તારના આરપીસી કમલુ પૂનેમ સહિત 15-20 અન્ય સશસ્ત્ર નક્સલીઓની હાજરી હોવાની માહિતી મળી હતી. નક્સલવાદીઓનો મુખ્ય વિસ્તાર શુક્રવારની રાત્રે સર્ચ કર્યા બાદ શનિવારે સવારે ડીઆરજી, એસટીએફ, બસ્તર ફાઇટર્સ અને કોબરા બટાલિયનના જવાનોની નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. અઢી કલાક ની અથડામણ બાદ, નક્સલવાદીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. નક્સલવાદીઓ સાથેની અથડામણ બાદ, તેમના કેમ્પને તોડી પાડવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે, નક્સલવાદી કેમ્પમાંથી વિસ્ફોટકો, દવાઓ, નક્સલવાદી ગણવેશ, પ્રતિબંધિત પ્રચાર સામગ્રી, નક્સલવાદી સાહિત્ય અને અન્ય રોજિંદા ઉપયોગની સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો છે. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઘટના સ્થળની આસપાસ શોધખોળ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર/કેશવ શર્મા/મુકુંદ / ડો. હિતેશ
