નવી દિલ્હી, 29 ઓક્ટોબર (હિ.સ.). કેરળના એર્નાકુલમ જિલ્લાના કલામાસેરી માં રવિવારે સવારે એક કન્વેન્શન સેન્ટરમાં બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 36થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ એવા સમયે થયો હતો જ્યારે ખ્રિસ્તીઓના એક સંપ્રદાય ‘યહોવા કે સાક્ષી’ દ્વારા પ્રાર્થના ચાલી રહી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન સાથે વાત કરી હતી અને બોમ્બ વિસ્ફોટ પછી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે એનઆઈએ અને એનએસજી ને ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.
કેરળના પોલીસ મહાનિર્દેશક ડૉ. શેખ દરવેશ સાહેબે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે, બ્લાસ્ટ આઈઈડી ઉપકરણથી થયો હતો. તેમણે કહ્યું કે, આજે સવારે લગભગ 9.40 વાગ્યે જામરા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 36 લોકોની સારવાર ચાલી રહી છે. કન્વેન્શન સેન્ટરમાં એક ક્ષેત્રીય સંમેલન ચાલી રહ્યું હતું. અમારા તમામ વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે, તપાસ ચાલુ છે. આ સાથે પોલીસ અધિકારીએ લોકોને શાંતિ જાળવવા અને સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ભડકાઉ સામગ્રી પોસ્ટ કરવાથી દૂર રહેવાની અપીલ કરી હતી.
આ મામલે કેરળના મંત્રી વીએન વાસવન નિવેદન પણ આવ્યું છે. તેમનું કહેવું છે કે, આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. વિસ્ફોટ બાદ લાગેલી આગને કારણે મહિલાનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં સતત બે વિસ્ફોટ થયા હોવાનું બહાર આવ્યું છે. એક વ્યક્તિનું મોત થયું છે અને 36 લોકો ઘાયલ થયા છે. બાબતે તપાસ ચાલુ છે.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ/પવન / માધવી
