નવી દિલ્હી, 6 નવેમ્બર (હિ. સ.) સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાનું ચલણ ઘણું વધી ગયું છે. માત્ર સેલિબ્રિટી જ નહીં, સામાન્ય લોકો પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. હાલમાં જ ‘પુષ્પા’ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો નકલી છે. આ વીડિયો એઆઇ ની ડીપફેક ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યો છે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ, આવા ફેક વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી છે.
રિસર્ચર અભિષેકે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. પહેલી નજરે લાગે છે કે, આ રશ્મિકાનો વીડિયો છે. આમાં તે લિફ્ટમાં કૂદતી જોવા મળી રહી છે. આ વીડિયોની સાથે અભિષેકે લખ્યું, ‘ડીપફેક સામે કાયદાકીય કાર્યવાહી અને નિયમનની તત્કાલ જરૂરીયાત છે. તમે રશ્મિકા મંદાનાનો આ, વાયરલ વીડિયો જોયો જ હશે, પરંતુ રાહ જુઓ, આ રશ્મિકા નથી. ઝારા પટેલ નામની મહિલાનો ડીપફેક વીડિયો છે. ઝારા પટેલ, બ્રિટિશ-ભારતીય યુવતી છે. જેના ઇન્સ્ટાગ્રામ પર 4 લાખ ફોલોઅર્સ છે. આ વીડિયો તેણે 9 ઓક્ટોબરે અપલોડ કર્યો હતો.’
અમિતાભ બચ્ચને પણ, અભિષેકના આ વીડિયો પર ટિપ્પણી કરીને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, ‘હકીકતમાં આના પર કાનૂની કાર્યવાહી થવી જોઈએ.’ આ વીડિયો જોયા બાદ, ચાહકોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
રશ્મિકાએ હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તે ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે આગામી ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળશે. આ ફિલ્મ સંદીપ રેડ્ડી વાંગા દ્વારા નિર્દેશિત છે અને 1 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
