નવી દિલ્હી, 06 નવેમ્બ ર :દિવાળી પહેલા દેશની અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર છે. વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે, ભારતના આર્થિક વિકાસના અંદાજને વધારીને 6.2 ટકા કર્યો છે. રેટિંગ એજન્સીએ તેના અંદાજમાં 0.70 ટકાનો વધારો કર્યો છે. અગાઉ ફિચ રેટિંગ્સે ભારતનો વિકાસ દર 5.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
રેટિંગ એજન્સી ફિચે, સોમવારે જારી કરેલા તેના તાજેતરના અનુમાન માં જણાવ્યું હતું કે અમે ભારત અને મેક્સિકો ને મોટા પાયે અપગ્રેડ કર્યા છે. એજન્સી અનુસાર, ભારતના વિકાસ દરનો અંદાજ 5.5 ટકાથી વધારીને 6.2 ટકા અને મેક્સિકોનો વિકાસ દર અંદાજ 1.4 ટકાથી વધારીને 2 ટકા કરવામાં આવ્યો છે. ફિચે જણાવ્યું હતું કે, 2020 માં તીવ્ર ઘટાડા પછી શ્રમ દળની સહભાગિતા દરમાં ઝડપી સુધારાને કારણે ભારતની વૃદ્ધિનું અનુમાન વધ્યું છે.
વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ છે. જોકે ફિચે, ચીન માટે 5.3 ટકાથી ઘટાડીને 4.6 ટકા, રશિયા માટે 1.6 ટકાથી 0.8 ટકા, કોરિયા માટે 2.3 ટકાથી 2.1 ટકા અને દક્ષિણ આફ્રિકા માટે 1.2 ટકાથી ઘટાડીને 1.0 ટકા સુધી વૃદ્ધિની આગાહી કરી છે.
