નવી દિલ્હી, 09 નવેમ્બર (હિ.સ.) વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે, કેલેન્ડર વર્ષ 2023 માટે ભારતની આર્થિક વૃદ્ધિનું અનુમાન, 6.7 ટકા જાળવી રાખ્યું છે. મૂડીઝ માને છે કે, દેશમાં મજબૂત સ્થાનિક માંગ નજીકના ભવિષ્યમાં વૃદ્ધિની ગતિ જાળવી રાખશે.
મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે ગુરુવારે, પ્રકાશિત તેના ‘ વૈશ્વિક મેક્રો ઇકોનોમિક આઉટલૂક-2024-25’માં જણાવ્યું હતું કે,”સ્થાનિક માંગમાં સતત વૃદ્ધિ ભારતીય અર્થતંત્રને આગળ ધપાવે છે.” મૂડીઝે કહ્યું કે,”અમે ભારતનો વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) વૃદ્ધિ દર, કેલેન્ડર વર્ષ 2023માં લગભગ 6.7 ટકા, 2024માં 6.1 ટકા અને 2025માં 6.3 ટકાની વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.”
નોંધનીય છે કે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)એ, નાણાકીય વર્ષ 2023-24 માટે આર્થિક વૃદ્ધિ દરનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 7.8 ટકા રહ્યો છે. જ્યારે બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.5 ટકા રહેવાનો અંદાજ છે. મજબૂત સ્થાનિક વપરાશ, નક્કર મૂડી ખર્ચ અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ દ્વારા દેશનો આર્થિક વિકાસ દર મજબૂત રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / દધીબલ / માધવી
