વડોદરા,09 નવેમ્બર (હિ.સ.) દિલ્હી ખાતે તાજેતરમાં યોજાઇ ગયેલી ઇન્ટરનેશનલ બ્યુટી પેજન્ટમાં વડોદરાના ઉન્નતિ દેસાઇએ મિસિસ એશિયા ટાઇટલ જીતી લીધુ છે. મહત્વની વાત એ છે કે ઉન્નતિ ગુજરાતી પરંપરાગત સાડી પહેરીને રેમ્પ પર ઉતરી હતી અને તેણે ગુજરાતના લોક નૃત્ય સમાન ગરબાને પણ સ્ટેજ પર રજૂ કરીને પેનલના 15 જજોને પ્રભાવિત કરી દીધા હતા.
47 વર્ષના ઉન્નતિ દેસાઇ કહે છે કે 45 વર્ષ પછી મહિલાઓને એવુ લાગતુ હોય છે કે હવે નિવૃત્તિનો સમય છે. હકિકત એ છે કે 45 વર્ષ પછી જ સેકન્ડ ઇનિંગ ચાલુ થાય છે. બાળકો અને પરિવારની જવાબદારીમાંથી મહિલાઓ ૪૫ વર્ષ પછી મુક્ત થઇ જતી હોય છે એટલે તેને પોતાના માટે સમય મળે છે. આ મેસેજ આપવા જ મે આ બ્યુટી પેજન્ટમાં ભાગ લીધો હતો. 36 દેશના 1700 સ્પર્ધકોમાંથી 36 સ્પર્ધકો ફાઇનલ થયા હતા જેમાં ફાઇનલમાં આફ્રિકા અને જાપાનની સ્પર્ધકને હરાવીને મે ટાઇટલ જીત્યુ છે. મે આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય પોશાક સાડીને રજૂ કરી હતી ઉપરાંત સ્ટેજ ઉપર ગરબા કર્યા ત્યારે અન્ય તમામ સ્પર્ધકો અને 15 જજ પણ સ્ટેજ પર આવીને ગરબા કરવા લાગ્યા હતા.
મને રસોઇ બનાવાનો ખુબ શોખ છે હું આજની આધુનિક માતાને કહેવા માગુ છુ કે બાળકોને જંકફુડથી મુક્તિ અપાવીને ઘરનુ ભોજન કરે તે રીતે ભોજન તૈયાર કરો. આધુનિકરણ કરતા પણ બાળકોનું સ્વાસ્થ્ય મહત્વનું છે.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/હર્ષ શાહ
