ધર્મશાલા, નવી દિલ્હી, રમાઈ રહેલી ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લંચ સુધી ઈંગ્લેન્ડે 25 ઓવરમાં બે વિકેટે 100 રન બનાવી લીધા છે. બંને વિકેટ ભારતીય સ્પિનર કુલદીપ યાદવના નામે હતી. ઈંગ્લેન્ડ માટે ઓપનર બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. ઓપનર જેક ક્રાઉલી 61 રન બનાવીને અણનમ છે. તેણે 71 બોલનો સામનો કરીને નવ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા.
આ પહેલા બેન ડ્યુકેટે 27 રન બનાવ્યા હતા જ્યારે ઓલી પોપે 11 રન બનાવ્યા હતા. કુલદીપે માત્ર ચાર ઓવરમાં 22 રન આપીને બંને વિકેટ લીધી હતી.
આ પહેલા પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓપનર જેક ક્રાઉલી અને બેન ડ્યુકેટે ટીમને સારી શરૂઆત અપાવી છે. ઈંગ્લેન્ડે 14 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 50 રનનો સ્કોર પાર કરી લીધો હતો. આ પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમમાં માર્ક વૂડની વાપસી થઈ છે. તેને છેલ્લી બે ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ બે સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે આવી છે. જો રૂટ ત્રીજા વધારાના સ્પિનર છે. દેવદત્ત પડિકલે ભારત માટે ટેસ્ટ મેચમાં પદાર્પણ કર્યું છે. તેમને રજત પાટીદારના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
