આણંદ/અમદાવાદ,22 ડિસેમ્બર (હિ.સ.)આણંદ જિલ્લામાં નિર્માણ પામેલ પોલીસ આવાસના લોકાર્પણ પ્રસંગે આણંદ ખાતે પધારેલા ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કાર્યક્રમ બાદ આણંદના નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લીધી હતી.
મંત્રી હર્ષ સંઘવીએ નવા બસ સ્ટેન્ડની મુલાકાત દરમિયાન મુસાફરો માટે બેસવાના બાંકડા, પીવાના પાણીની સુવિધા, પંખાની સુવિધા, સ્વચ્છતા સંદર્ભે શૌચાલયની સુવિધાની સાથે તેની સ્વચ્છતા જળવાય રહે તેમજ બસ સ્ટેન્ડ અને ત્યાં આવતી બસોની સફાઈ થાય છે કે કેમ તે સંદર્ભેની જાણકારી મેળવી પ્રવાસીઓને સારી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે તાકિદ કરી હતી.
ગૃહ રાજય મંત્રીએ નવા બસ સ્ટેન્ડની આકસ્મિક મુલાકાત લઈ, નિરીક્ષણ કરી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના અધિકારીઓને બસસ્ટેન્ડમાં તાત્કાલિક નવા બાકડાઓ મુકવા તથા જ્યાં પણ પંખા નથી ત્યાં નવા પંખા લગાવવા, શૌચાલયની સફાઈ થાય તે માટેની વ્યવસ્થિત સુવિધા તથા મુસાફરોને પીવાનું પાણી મળી તે માટેની સુદ્રઢ વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા અને તેની આસપાસ નિયમિત સફાઈ રાખવા અંગે સૂચના આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
