નવી દિલ્હી, 22 ડિસેમ્બર (હિં.સ.) વર્ષ 2023માં સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે. સોવરિન ગોલ્ડ બોન્ડની આ સ્કીમ 18 ડિસેમ્બરે શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત, એક ગ્રામ સોનાની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે બુલિયન માર્કેટમાં 24 કેરેટ ગોલ્ડની કિંમત હાલમાં 6,300 રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે.
કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ રોકાણ કરાયેલા નાણાંની સુરક્ષાની ખાતરી, ભારત સરકાર આપે છે. તે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) દ્વારા સંચાલિત છે. આ યોજના હેઠળ, ઓછામાં ઓછું એક ગ્રામ સોનું ખરીદી શકાય છે. જ્યારે વ્યક્તિગત રોકાણકારોને વધુમાં વધુ 4 કિલોગ્રામ સોનું ખરીદવાની છૂટ છે. આ યોજના હેઠળ હિન્દુ અવિભાજિત પરિવારો (એચયુએફ) અને ટ્રસ્ટ વધુમાં વધુ 20 કિલો સોનાનું રોકાણ કરી શકે છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ હેઠળ, પાકતી મુદત 8 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો કે, રોકાણકારો 5 વર્ષ પૂરા થયા પછી પણ, તેમના પૈસા ઉપાડી શકે છે. આ સિવાય સ્ટોક એક્સચેન્જ દ્વારા પણ તેની ખરીદી અને વેચાણ કરી શકાય છે. આ યોજના હેઠળ રોકાણકારોને 2.50 ટકા વ્યાજ પણ આપવામાં આવે છે. જે સીધા તેમના ખાતામાં જાય છે. આ સ્કીમ 2015માં શરૂ કરવામાં આવી હતી, અને તે જ વર્ષે સોવરિન ગોલ્ડ બોન્ડની પ્રથમ સ્કીમ મેચ્યોર થઈ છે. જેમાં રોકાણકારોને અઢી ગણાથી વધુ નફો મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા / સુનીત / માધવી
