સુરત, 2 નવેમ્બર : સુરત શહેરને સ્વચ્છ અને નયનરમ્ય બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા અને સુંદરતાના સમન્વયની અનોખી પહેલ કરી છે. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે તમામ ઝોન વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા તેમજ બ્યુટીફિકેશન માટે પ્રેરણા આપતા સુરત શહેરમાં આવેલા રોડ ડિવાઈડરો, બ્રિજ, બી.આર.ટી.એસ. રેલીંગ, સર્કલો પર સુંદર, માંનોહક ડિઝાઈન સાથેના પેઈન્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. જે કામગીરી સંપન્ન થતાં શહેરની શોભામાં અભિવૃદ્ધિ થશે.
સમ્રગ દેશમાં સ્વચ્છતામાં બીજો ક્રમ ધરાવતા સુરતને સૌથી સ્વચ્છ અને સુંદર બનાવવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા જાગૃતિ લાવવામાં આવી રહી છે. શહેરમાં દર ચોમાસે પ્લાસ્ટિક અને અન્ય કચરાથી વરસાદી પાણીનો નિકાલ કરતી ગટરો, ઢાંકણા-જાળીયા જામ થઈ જવાના બનાવો બને છે અને રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે, જેના નિરાકરણ અર્થે શહેરીજનો સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનોના ઢાંકણા-જાળીયાઓ પર કચરો ન ફેકે અને કચરો ફકત કચરા પેટીમાં જ નાખે તે માટે જનજાગૃતિ લાવવા ‘ઓન્લી રેઈન ઈન ડ્રેઈન’ થીમ હેઠળ શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનોના ઢાંકણા- જાળીયાઓ પર જળચર પ્રાણીઓના પેઈન્ટિંગ અને ‘ઓન્લી રેઈન ઈન ડ્રેઈન’ સ્લોગન એટલે કે આ લાઈન ફકત વરસાદી પાણી માટે જ છે, જે સ્લોગન લખવાની અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ યુનિક કન્સેપ્ટ હેઠળ હાલમાં અઠવાલાઈન્સ અને સિટીલાઈટ સહિતના વિસ્તારમાં કામગીરી થઈ રહી છે.
