

મહેસાણા, 11 નવેમ્બર (હિ.સ.) મહેસાણા જિલ્લાના કડી શહેરના ભવપુરા વિસ્તારમાં આજે દુર્ઘટનાજનક બનાવ બન્યો છે. નવા મકાનના બાંધકામ દરમિયાન બાજુમાં આવેલી જર્જરિત દીવાલ ધરાશાયી થતાં સાતથી વધુ મજૂરો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી અને દટાયેલા તમામ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઘટનામાં એક મજૂરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે મજૂરો ગંભીર રીતે ઘવાયા છે. બાકી મજૂરોને પણ ઈજા પહોંચી છે અને તમામને 108 એમ્બ્યુલન્સ તેમજ ખાનગી વાહનોની મદદથી ભાગ્યોદય હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ દુર્ઘટના બાદ વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ મળીને પ્રાથમિક બચાવ કામગીરી હાથ ધરી હતી. કાટમાળ નીચે દટાયેલા મજૂરોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હોવાથી વધુ જાનહાનિ ટળી હોવાનું કહેવાય છે.
કડી પોલીસ ઘટનાની જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બાદમાં હોસ્પિટલમાં જઈ સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. હાલમાં પોલીસ દ્વારા પ્રાથમિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
