કોલકતા, નવી દિલ્હી, 02 નવેમ્બર : પશ્ચિમ બંગાળને અડીને આવેલી ભારત-બાંગ્લાદેશ સરહદ પર તૈનાત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)એ સોનાની દાણચોરીની મોટી કાર્યવાહીને નિષ્ફળ બનાવી છે. બીએસએફ દક્ષિણ બંગાળના મુખ્ય સંપર્ક અધિકારી અને ડીઆઈજી એકે આર્યએ ગુરુવારે બપોરે આ વિશે માહિતી આપી.
તેમણે કહ્યું કે, એક દિવસ પહેલા બીએસએફ ના જવાનોને નોર્થ 24 પરગણાની પેટ્રાપોલ બોર્ડર ચોકી પાસે સોનાની દાણચોરીની નક્કર માહિતી મળી હતી. આ પછી, બીએસએફ ના જવાનોએ એક શંકાસ્પદ ટ્રકને રોકીને તેની તલાશી લેતા કેબિનની અંદર બનાવેલી એક ખાસ જગ્યાએ છુપાવેલા સોનાના 60 બિસ્કિટ મળી આવ્યા હતા. તે સફેદ પારદર્શક ટેપમાં લપેટી હતી. સોનાનું વજન 6998.580 ગ્રામ છે અને તેની કિંમત અંદાજે 4 કરોડ 32 લાખ 86 હજાર રૂપિયા છે. ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે, જેની ઓળખ 23 વર્ષીય સૂરજ મૈગ તરીકે થઈ છે. તે ઉત્તર 24 પરગણાના બાનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.
આરોપીએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, તે સામાન્ય રીતે દાણચોરી માટે ટ્રકનો ઉપયોગ કરતો હતો. તે જમીન પરિવહન દ્વારા બાંગ્લાદેશ જાય છે. બાંગ્લાદેશના મોહમ્મદ મામુન નામના દાણચોરે તેને સોનાની દાણચોરી કરવાની લાલચ આપી હતી અને તેને 10,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. આ સોનું, ઉત્તર 24 પરગણાના પેટ્રાપોલમાં રહેતા અન્ય દાણચોર અજગર શેખને આપવાનું હતું.
આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સોના સાથે કસ્ટમ વિભાગ કોલકાતાને સોંપવામાં આવ્યો છે. તેના દિશા સૂચન ના પગલે, સંબંધિત તસ્કરોની શોધખોળ તેજ કરવામાં આવી છે.
