
અમદાવાદ,15 ઓકટોબર : નવદુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાના આ મહાપર્વના આજે પ્રથમ દિવસે લાખોની સંખ્યામાં ભક્તો શક્તિપીઠ પાવગઢ પહોંચ્યા છે.નવરાત્રીમાં રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાંથી માં મહાકાળીના પાવન યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
આશો નવરાત્રીના પ્રથમ નોરતે પાવાગઢ ખાતે અંદાજીત 2 લાખ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. નવરાત્રીના પ્રથમ દિવસે પાવાગઢના માંચીથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. મંદિર પરિસર સહિત પગથીયાં સુધી જાણે હૈયેથી હૈયું દળાતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ માતાજીના દર્શન માટે લાંબી કતારો પણ જોવા મળી રહી છે. દૂર દૂરથી આવેલા ભક્તો પણ મહાકાળી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
ત્યારે હાલ ચાલી રહેલ આશો નવરાત્રીમાં પ્રતિદિન દોઢથી બે લાખ ભક્તો માં મહાકાળી ના દર્શનાર્થે આવવાની શક્યતાઓ જોતા આ વખતે આરોગ્યને લગતી સેવાઓમાં વિશેષ વધારો કરવામાં આવ્યો છે. સાથે જ માંચી ખાતે દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેના બાદ હરાજી કરી ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા યાત્રાળુંઓની સુરક્ષાને લઈ ખાસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. યાત્રાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. બીજી તરફ યાત્રિકોની સુવિધાના ભાગરૂપે નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો ઉપર લઈ જવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. સાથે સાથે જ અહીં એસટી બસની ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
