સંભાજી નગર,15 ઓક્ટોબર : મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર (અગાઉ ઔરંગાબાદ)માં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યે ટેમ્પો અને ટ્રક વચ્ચે અથડામણમાં 12 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ સાથે 17 લોકો ઘાયલ થયા છે. એક્સપ્રેસ વે પર બૈજાપુર ટોલ પ્લાઝા પાસે આ અકસ્માત થયો હતો.
બૈજાપુર પોલીસ ચોકીના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર શ્યામ સુંદર કવથડેએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, એક્સપ્રેસ વે પર ઉભેલી ટ્રકને પાછળથી તેજ ગતિએ આવી રહેલા ટેમ્પોએ ટક્કર મારી હતી. જેના કારણે ટેમ્પોમાં બેઠેલા 12 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. 17 ઘાયલોમાંથી 6ને બૈજાપુરની ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બાકીનાને સંભાજી નગર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
આ અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના આશ્રિતોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડા પ્રધાને તેમના શોક સંદેશમાં કહ્યું છે કે તેઓ વહેલી સવારે સંભાજી નગરમાં એક ભયાનક અકસ્માતના સમાચારથી દુખી છે. મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. વડા પ્રધાને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરી છે.
