સુરત, 3 માર્ચ: ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ સંબોધન કરતાં જણાવ્યુ કે, કેન્દ્રિય સંસદીય સમિતિ દ્વારા સમગ્ર દેશના 195 જેટલા 2024 લોકસભાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી 15 ઉમેદવારો ગુજરાતના જાહેર કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી , અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી જે.પી.નડ્ડાજી અને સમિતિના બાકીના સભ્યો સાથે વિચારણા કરીને આજે દરેક રાજ્યના રાજ્યકક્ષાની સંસદીય સમિતિ સાથે મળીને જે નિર્ણય કર્યો છે મારા મતે આ નિર્ણય યોગ્ય નિર્ણય છે. આગામી ટૂંક સમયમાં બાકી રહેલી 11 સીટોનો નિર્ણય લેવાઈ જશે અને 26 માંથી 26 બેઠક ગુજરાત લોકસભાની જીતવાની છે અને 5 લાખથી વધારેની લીડથી જીતાય એવા લક્ષ્યાંક સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ જીત મેળવવા માટે થનગની રહ્યા છે.
પાટીલએ વધુમાં જણાવ્યુ કે, ઉમેદવાર જાહેર થયા પહેલા કાર્યકર્તાઓના મનમાં કોઈ માટે લાગણી કે ઈચ્છાઓ હશે પરંતુ, ઉમેદવારના નામ જાહેર થયા પછી કમળનું નિશાન લઈને આવનાર ઉમેદવાર સાથે આ તમામ કાર્યકર્તાઓ તાકાત સાથે કામે લાગે છે. મોદી સાહેબના સમયથી ગુજરાતમાં જે વાતાવરણ બન્યું છે અને અમિતભાઈ શાહ ના માર્ગદર્શનમાં જે રીતે કાર્યકર્તાઓ તૈયાર થયા છે અને મોદીના કામોના કારણે જે મતદાતા પ્રભાવિત છે તે સૌને એક વિશ્વાસ છે કે દેશનું કોઈ ભલું કરી શકે તો એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. દેશની બહેનો, માતાઓ, દીકરીઓને વિશ્વાસ છે કે અમારી કોઈ રક્ષા કરી શકે તો એ મોદી છે, યુવાનોને વિશ્વાસ છે કે નવી રોજગારીની તક જો કોઈ ઊભી કરી શકે એ મોદી છે, દેશના ખેડૂતોને વિશ્વાસ છે કે અત્યાર સુધીની કોઈ સરકારે ક્યારેય કોઈ ખેડૂતો માટેની યોજનાઓ બનાવી નથી ખેડૂતો માટે યોજનાઓ બનાવી ખેડૂતોનો વિકાસ થાય, આવક બમણી થાય, ખેડૂત ક્યારેય બિચારો ન રહે તેવા પ્રયત્નો હંમેશા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી કર્યા છે.
પાટીલએ વધુમાં જણાવ્યુ કે, આજે ગુજરાત અને દેશના દરેક સેક્ટરમાં વિશ્વાસનું વાતાવરણ છે. રામમંદિરના નિર્માણ, 370ની કલમ રદ્દ આવા ઐતિહાસિક નિર્ણયો મોદી સાહેબે જમીન પર ઉતાર્યા છે. ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી જે વચનો આજ સુધી આપવામાં આવ્યા છે તે પૂર્ણ કરવામાં આવ્યા છે. વચન આપવાનું એક મહત્વ હોય છે, લોકોને વિશ્વાસ હોવો જોઈએ અને આજે લોકો એટલા માટે જ કહે છે કે મોદીની ગેરંટી એ પત્થરની લકીર છે. મહાસત્તાના રાષ્ટ્રપતિઓએ પણ આ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી માટે કહ્યું છે કે, મોદીજી જે બોલે છે તે કરે છે. સૌના સથવારે આ ચૂંટણી ભવ્ય રીતે વિજયી બનાય તેના માટે અમે સૌ કાર્યકર્તાઓ પહેલાથી જ સક્રિય છીએ. અમારા અપેક્ષિત પરિણામ મેળવવા માટે સૌ મતદાતા ભાઈ બહેનો પાસેથી અપેક્ષા પણ છે. સૌ કાર્યકર્તાઓને આહ્વાન કરતાં કહ્યું કે સૌ કાર્યકર્તાઓ આજથી જ સંકલ્પ બદ્ધ કામ પર લાગી જાય અને જીતનું જે લક્ષ્ય છે તેના પર આગળ વધે તેવી વિનંતી છે.
આ પ્રેસવાર્તામાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, સુરત શહેર અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, સાશક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, માજી સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશભાઈ પટેલ સહિત પદાધિકારીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
