વડોદરા/અમદાવાદ, લોકસભા 2024ની ચૂંટણી પ્રક્રિયાનું ગાઈકલથી નોટિફિકેશન બહાર પડ્યું. હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના નિવેદન મામલે હાલ ક્ષત્રિય સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે ક્ષત્રિય સમાજ વચ્ચે ફાંટા પડ્યાં છે. સૌરાષ્ટ્રના 6 લાખ સહિત ગુજરાતમાં 14 લાખથી વધુની વસ્તી ધરાવતો કાઠી ક્ષત્રિય સમાજ આ વિરોધથી દૂર થઈ ગયો છે.
ક્ષત્રિય સમાજ પર રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઇ હજુ વિવાદ શમ્યો નથી.વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરના માંજલપુર વિસ્તારમાં મોડી રાત્રે ભાજપના કોઈપણ કાર્યકારો અને આગેવાનોએ પ્રવેશવું નહીં, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી તેવાં બેનરો લાગતાં પોલીસ દોડતી થઈ હતી. આ બાબતે આગેવાને પોલીસને ભાજપની ગુલામ કહી હતી.
આગામી લોકસભાની ચૂંટણીમાં પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલા નિવેદનને ધ્યાનમાં રાખીને શહેરના માંજલપુરમાં ભાજપના કાર્યકરો, ઉમેદવારોને પ્રવેશબંધી કરતાં બેનરો રાતોરાત લગાવી દેતા શહેરમાં પણ વિરોધ શરૂ થયો છે. હાલમાં શહેરમાં લોકસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધા છે, જેમાં ઘરે ઘરે ફેરણી, વિસ્તારોમાં રેલીઓ યોજવામાં આવી રહી છે. પરંતુ બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કથિત નિવેદનને પગલે જ્યાં એક તરફ સમગ્ર રાજ્યમાં રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ રૂપાલાની ઉમેદવારી રદ કરવા માગ ઉઠી છે. ત્યારે શહેરના માંજલપુરમાં પણ હવે રાજપૂત કરણીસેના તથા ક્ષત્રિય સમાજ દ્વારા રાત્રે બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં બેનરમાં લખ્યું છે કે, ભાજપના કોઇપણ કાર્યકર કે આગેવાને પ્રવેશવું નહીં, જ્યાં સુધી ટિકિટ રદ ન થાય. આ અંગે ક્ષત્રિય આગેવાન રવિરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ક્ષત્રિય સમાજ હિન્દુઓ, હિન્દુસ્તાન માટે પોતાના સમાજની વાત આવે તો મરતા કે મારતા ખચકાઇ નથી અને ખચકાશે નહીં. ભાજપની સરકાર સમાજને દબાવ માંગે છે, આતો માત્ર ટ્રેલર છે હજુ પિક્ચર બાકી છે. આ તો ક્ષત્રિય સમાજ છે પહેલેથી કુરબાની આપી છે. અમને મારવા કે મરવાથી કઈ ફર્ક નથી પડતો. તમારી તાકાત હોય તો માંજલપુરમાં પ્રચાર કરી જુઓ તમારી તાકાત હોય તો તેવી ચીમકી ઉચ્ચારી હતી.
