– અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલ બકરીને યોગ્ય સમયે સારવાર મળતા જીવ બચ્યો
વડોદરા/અમદાવાદ,01 ફેબ્રુઆરી: રાજ્ય સરકારના પશુપાલન વિભાગ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસિસના સંકલનથી દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું કાર્યરત છે. અવારનવાર વડોદરા જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં આ કરુણા એમ્બ્યુલન્સ અબોલ પશુ પક્ષીઓને મફત સારવાર આપી જીવ બચાવીને એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
વડોદરાના શિનોર તાલુકાનાં નાના કરાળા ગામમાં રહેતા અજયભાઈની બકરીનો કાર સાથે અકસ્માત થયો હતો. બકરી ગંભીર રીતે ઘાયલ થતા તેમને તરત કરુણા એમ્બ્યુલન્સનું 1962 હેલ્પલાઇન પર કૉલ કર્યો હતો. કૉલ કર્યાની ગણતરીની મિનિટોમાં વણીયાદ ગામના વેટરનરી ડૉ.પાયલ અને પાયલોટ કમ ડ્રેસર અર્જુનભાઇની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી.
ઇજાગ્રસ્ત બકરીનું નિરીક્ષણ કરતા પાછળના ડાબા પગે ઓપન ફ્રેકચર તથા બીજી શારીરિક ઈજાઓની ખબર પડી હતી.બકરી ગાભણ હોવાથી ખૂબ જ કણસતી હાલતમાં હતી અને ઉભુ થવામાં પણ સક્ષમ ન હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇને કરૂણા એમ્બ્યુલન્સની ટીમે પશુને ગુંટણ નીચેના હાડકામાં ફ્રેકચર હોય ત્યાં ડ્રેસિંગ કરી , કાસળી બાંધી પાટો બાંધી બકરીને રાહત અપાવી હતી. વધુમાં બીજી પ્રાથમિક સારવાર તથા ડ્રેસિંગ કરી તેને જરૂરી એન્ટીબાયોટિક તથા દુખાવાના ઈન્જેકશન પણ આપવામાં આવ્યા હતા. લગભગ એકાદ કલાકની ભારે જહેમત બાદ મહેનતના ફળસ્વરૂપ સ્થિતિમાં સુધાર આવતા બકરીએ રાહત અનુભવી હતી.
આ સમગ્ર ઘટનાના પ્રત્યક્ષ દર્શીઓએ રાજ્ય સરકારના પશુપાલન વિભાગ તથા 1962 કરુણા ઇમરજન્સી સેવાને બિરદાવી હતી. વડોદરા જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર યોગેશ દોશી અને પ્રોગ્રામ મેનેજર ડો. રવિ રિંકે ઉત્કૃષ્ઠ કામગીરીની પ્રશંસા કરવામાં કરી હતી.
