– તબલા વગાડવાનો શોખ ધરાવતા વિસ્તરણ અધિકારીએ બનાવેલી ભવાઈમાં એમના બાળકોએ અભિનય કર્યો
ભાવનગર/અમદાવાદ,18 ઓકટોબર ગાંધીજીની સ્વચ્છ ભારતની સંકલ્પનાને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ગાર્બેજ ફ્રી ઈન્ડીયા’નો મંત્ર આપ્યો છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ચાલી રહેલા વિવિધ સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમોને આગામી વધુ બે મહિના સુધી એટલે કે 15 ઓક્ટોબર થી 16 ડિસેમ્બર-
સુધી લંબાવવામાં આવ્યુ છે.
“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત આગામી બે મહિના સુધી શહેર તથા ગામોમાં અલગ અલગ સ્થળોએ સફાઇ કરવામાં આવનાર હોઈ લોક જાગૃતિ અર્થે પાલિતાણાના વિસ્તરણ અધિકારી જગતપ્રકાશ જાની એ સ્વચ્છતાની ભવાઇ બનાવી છે. આ ભવાઈમાં તબલા વગાડવાનો શોખ ધરાવતા વિસ્તરણ અધિકારીના બાળકોએ અભિનય કર્યો છે.
આ ભવાઈમાં “સાફ સફાઇની આદત પાડીએ, આપણું ભારત સ્વચ્છ બનાવીએ, કચરો કચરા પેટીમાં નાખીએ, સારી આદત પાડીએ, સુંદર આપણું ગામ બનાવીએ, સાફ સફાઇની આદત પાડીએ, બાપુ-મોદી નું આ સપનું છેઆપણું ભારત સ્વચ્છ બનાવીએ” ની વાત કરવામાં આવી છે. આ અંગે વિસ્તરણ અધિકારી જગતપ્રકાશ જાની એ જણાવ્યું હતું કે હાલમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત લોક જાગૃતિના અનેક વિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આજના સમયમાં સંગીત અને સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે પરંપરાગત માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
