
નવી દિલ્હી, 18 ઓક્ટોબર (હિ. સ.). વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-2023 ની બીજુ સંસ્કરણ, નવી દિલ્હીમાં 03 થી 05 નવેમ્બર દરમિયાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 03 નવેમ્બરે પ્રગતિ મેદાનના ભારત મંડપમ ખાતે કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી પશુપતિ કુમાર પારસની હાજરીમાં કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 05 નવેમ્બરે કાર્યક્રમમાં સમાપન સંબોધન કરશે. વર્લ્ડ ફૂડ ઈન્ડિયા ના આ સંસ્કરણ માં નેધરલેન્ડ ‘પાર્ટનર દેશ’ હશે, જ્યારે જાપાન અને વિયેતનામ ‘ફોકસ દેશો’ હશે.
કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ અને જળશક્તિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે બુધવારે આ માહિતી આપી હતી. મંત્રી પટેલે નેશનલ મીડિયા સેન્ટર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે રોકાણની અપાર સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે, વર્લ્ડ ફૂડ ઈન્ડિયા-2023માં 60 થી 80 શેફ સાથે મળીને વિશ્વનો સૌથી લાંબો બાજરીનો ઢોસો બનાવવા માટે કામ કરશે. તેઓ 100 ફૂટથી વધુ લાંબો ઢોસો બનાવીને ગિનિસ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ કરશે. ખ્યાતનામ રસોઇયા રણવીર બરાર દ્વારા સંચાલિત અનુભવાત્મક ફૂડ સ્ટ્રીટ, ભોજન ના ઉત્સાહીઓ અને ઉદ્યોગ વ્યાવસાયિકો માટે મુખ્ય આકર્ષણ હશે.
ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ-2023ની ઉજવણી કરવા માટે, બાજરીના પીણાંના 50 હજાર ટેટ્રા-પેક કન્ટેનરનો વિશાળ જથ્થો બનાવવામાં આવશે અને વંચિત બાળકોને વિતરણ કરવામાં આવશે. ત્રણ દિવસમાં આવનારા 75 હજાર મુલાકાતીઓ નૃત્ય અને સંગીતના કાર્યક્રમો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ આનંદ માણશે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી પટેલે જણાવ્યું હતું કે, વર્લ્ડ ફૂડ ઈન્ડિયા આ ક્ષેત્રની ક્ષમતાને વૈશ્વિક હિસ્સેદારો સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ છે. ભારત સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે, ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં રોકાણની ઘણી તકો છે.
મંત્રીએ કહ્યું કે, આ કાર્યક્રમ સરકારના વિવિધ વિભાગો વચ્ચેના પરસ્પર સહકારનું અનોખું ઉદાહરણ છે. 11 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો અને તેમની સાથે સંકળાયેલ સ્વાયત્ત સંસ્થાઓ તેમાં ભાગ લઈ રહી છે. અત્યાર સુધીમાં, 23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને 16 દેશોના પ્રદર્શકો ઇવેન્ટમાં ભાગ લેવા માટે સંમત થયા છે અને ઇવેન્ટના બાકીના દિવસોમાં વધુ હિતધારકો હાજરી આપે તેવી શક્યતા છે.
મંત્રીએ આ કાર્યક્રમમાં વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિત્વ તરફ પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લગભગ 10 વિદેશી મંત્રીસ્તરીય લોકો અને સત્તાવાર પ્રતિનિધિમંડળ ભાગ લઈ રહ્યા છે. ઈવેન્ટના ભાગરૂપે, વાણિજ્ય વિભાગ અને તેની સાથે સંકળાયેલ કોમોડિટી બોર્ડના સહયોગથી રિવર્સ બાયર સેલર મીટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 75 થી વધુ દેશોમાંથી લગભગ 1000 વિદેશી ખરીદદારો તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે. એકંદરે, 900 થી વધુ પ્રદર્શકો ઇવેન્ટમાં ભાગ લે તેવી અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર/અનુપ/પવન / ડો. હિતેશ
