પોરબંદર,16 ઓક્ટોબર : પોરબંદરમાં નવરાત્રી દરમિયાન પ્રથમ દિવસથી જ પોરબંદર પોલીસની સી-ટીમ દ્વારા સરાહનીય કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટીમ દ્વારા પોરબંદર શહેરમાં વિવિધ જગ્યાએ થયેલ નવરાત્રી ગરબાના આયોજનના સ્થળોએ હાજરી આપી હતી અને કોઈ જ અનિચ્છનીય બનાવ ન બને તેનું પૂરતું ધ્યાન આપ્યું હતું અને તેના પરિણામ સ્વરૂપ શહેરમાં કોઈ જ પરિચય બનાવો બનવા પામ્યો નથી અને આવનારા દિવસોમાં બની શકે તેવી કોઈ ગુંજાઈશ નથી. આ ઉપરાંત પોરબંદર પોલીસની દ્વારા ગરબાના આયોજન સ્થળોએ યુવતીઓને મળીને એ પણ સમજાવવામાં આવ્યું હતું કે જો કોઈ જ છેડતી કે મારામારી કે કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ બને તો તેઓ કઈ રીતે પોલીસનો સંપર્ક કરી શકે છે. પોરબંદરની નવરાત્રી દરમિયાન એસપી ભગીરથસિંહ જાડેજા દ્વારા મહિલા પોલીસ સ્ટેશન પીઆઇ રીના રાઠોડ અને પીએસઆઇ ઠાકરિયાને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. મિયાણી મરીન પીએસઆઇ ઠાકરિયા આ જવાબદારી માટે ખાસ પોરબંદર પધાર્યા છે અને તેમણે તેમની નોંધપાત્ર કામગીરી શરૂ કરી દીધી છે તેમણે તથા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ રીનાબેન રાઠોડે આ કામગીરી શરૂ કરી દીધી છે અને તેના પરિણામ સ્વરૂપ પોરબંદર શહેરભરમાં અત્યંત સુમેળભર્યો અને સલામતીભર્યો માહોલ સર્જાયો છે અને તેના કારણે લોકો શાંતિ અને આનંદ સાથે મા અંબા અને બહુચર ની નવરાત્રી માણી રહ્યા છે.
