

અંબાજી,23 માર્ચ : માં જગતજનની અંબાનું ધામ અંબાજી એક શક્તિપીઠ તરીકે દેશ ભરમાં વિખ્યાત છે. માં અંબા નું આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે. માં અંબા ના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. દૂર દૂરથી માઈ ભક્તો માં અંબાના દર્શનાર્થે આવે છે. અને મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. યાત્રાધામ અંબાજી ખાતે કોઈ પણ પર્વ કે પ્રસંગ નિમિત્તે અંબાજી મંદિરમાં અનેકો કાર્યક્રમો સહિત મંદિરને શણગારવામાં આવતું હોય છે. તો સાથે સાથે વર્ષ દરમિયાન અનેકવાર માં જગતજનની અંબાને 56 ભોગનો અન્નકૂટ પણ ધરાવવામાં આવતો હોય છે. ત્યારે આજે માં જગતજનની અંબાના મંદિરને રંગબેરંગી ફૂલો થી શણગારવામાં આવ્યું હતું.
આજે અંબાજી મંદિર ને હોલી પૂર્વ રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. માં અંબા ના મંદિર ના નૃત્ય મંડપ થી લઈને મંદિર પરિસર માં ફૂલો થી શણગારાયું હતું. અલગ અલગ કલરના ફૂલોથી આ શણગાર કરવામાં આવ્યો હતો. તો સાથે સાથે આજે અંબાજી મંદિરમાં અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. 56 ભોગની અલગ અલગ મીઠાઈઓથી માતાજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો. અને ભટજી મહારાજ દ્વારા અન્નકૂટ આરતી પણ કરવામાં આવી હતી. ગર્ભગ્રહ સહિત મંદિરના અલગ અલગ જગ્યાએ ફૂલોના શણગારથી મંદિર ખૂબ જ સુંદર જોવા મળ્યું હતું. આજે મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલા માઇ ભક્તોએ મા અંબાના મંદિર ના સુંદર શણગારને જોઈ આનંદિત થયા હતા.
