કોલકતા, નવી દિલ્હી, માર્ચ : લાંચ લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના મામલામાં સંસદમાંથી હાંકી કાઢવામાં આવેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાની મુશ્કેલીઓ ફરી વધી છે. શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની ટીમે, કોલકતા સહિત તેના સ્થળો પર દરોડા પાડ્યા હતા.
સીબીઆઈ આ મામલામાં તૃણમૂલ નેતાના અલીપુર, કોલકતા અને અન્ય સ્થળો પરના નિવાસસ્થાને સર્ચ કરી રહી છે. કેન્દ્રીય એજન્સીના એક સૂત્રએ જણાવ્યું કે, સીબીઆઈ એ લોકપાલના નિર્દેશ પર એફઆઈઆર નોંધી છે. લોકપાલે, મંગળવારે સીબીઆઈને લાંચ લેવા અને સંસદમાં પ્રશ્નો પૂછવાના મામલામાં મહુઆ મોઇત્રા સામેના આરોપોના તમામ પાસાઓની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. તેમજ છ મહિનામાં રિપોર્ટ આપવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં મહુઆ મોઇત્રાને સંસદમાં લાંચ લેવા અને પ્રશ્નો પૂછવાના કેસમાં સાંસદ પદ ગુમાવવું પડ્યું હતું. લોકસભાએ આ મામલો તેની એથિક્સ કમિટીના રિપોર્ટ પર આધારિત રાખ્યો હતો, જેમાં તે પૈસા લેતી વખતે પ્રશ્નો પૂછવા બદલ દોષી સાબિત થયા હતા.
બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ વિરુદ્ધ લોકસભા સ્પીકર પાસે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, મહુઆએ અદાણી વિરુદ્ધ સંસદમાં પ્રશ્નો પૂછવા માટે દુબઈ સ્થિત બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી રોકડ અને ભેટો લીધી હતી.
