
મેહસાણા,23 જાન્યુઆરી (હિ.સ.) આગામી 24 જાન્યુઆરી “રાષ્ટ્રીય દિકરી દિવસ”ની ઉજવણીના ભાગ રુપે સમગ્ર દેશમાં પ્રથમ ગુજરાત રાજ્યમાં “તેજસ્વીની બાલીકા વિધાનસભા”નુ આયોજન કરવામાં આવનાર છે. સદર કાર્યક્રમમાં દિકરીઓ રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરે તેમજ નેતૃત્વ વિકાસના હેતુથી ૨૪ જાન્યુઆરીના રોજ પ્રતિક સ્વરુપે વિધાનસભાનુ સંપુર્ણ સંચાલન તેજસ્વી બાલીકાઓ કરશે જેમાં મહેસાણા જિલ્લાની રમત ગમત ક્ષેત્રે આગવી સિધ્ધી મેળવેલ 4 (ચાર) દિકરીઓ ભાગ લેવા પસંદગી પામેલ છે. જેમાંની ૦૧ દિકરી “વિરોધ પક્ષના નેતા”નો હોદ્દો સંભાળનાર છે. ઉપર્યુક્ત કાર્યક્રમના ઉપલક્ષ્યે આજ રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “કોફી વિથ કલેક્ટર” કાર્યક્રમનુ આયોજન કરેલ જેમાં માન. કલેક્ટર મહેસાણા, એમ. નાગરાજન (આઈ.એ.એસ.) દ્વારા દિકરીઓ સાથે સંવાદ કરી વિશ્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા, વિધાનસભા, લોકસભા, પંચાયતીરાજ, લોકશાહીમાં ચુંટણીનુ મહત્વ, વહીવટીતંત્ર, અને સરકારી કાર્યપ્રણાલી વગેરે વિશે માહિતગાર કર્યા હતા. કર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી શ્રી મેઘાબેન ગોસ્વામી, રમત ગમત ક્ષેત્રે વિશેષ સિધ્ધી હાંસલ કરનાર દિકરીઓ- પ્રિશા વિનોદકુમાર પ્રજાપતિ, પટેલ પરી સુરેશ, પટેલ દિશા વિષ્ણુ અને કચેરીના કર્મચારીઓ ઉપસ્થીત રહેલ હતા.
હિન્દુસ્થાન સમાચાર / સંકેત સિડાના /હર્ષ શાહ
