મોડાસા,01 જાન્યુઆરી (હિ.સ.) વિકસિત ગુજરાતની વાતોને ગુલબાંગો સાબિત કરતી દારુણ સ્થિતિ પોશીના તાલુકામાં આઝાદીના 76 વર્ષ બાદ પણ જસ ની તસ છે. રાજ્યસભા સાંસદનું કર્મ ક્ષેત્ર છે પોશીના તાલુકો. લાખિયાના નાની સોનગઢ ફળોના 50થી વધુ પરિવારો આજે પણ અંધારપટમાં જીવન ગુજારવા મજબૂર છે. પાકા રસ્તાની સુવિધા ન હોવાથી યુજીવીસીએલ કે પાણી પુરવઠા વિભાગ અહીં પહોંચી શક્યું નથી.
ગામની બહાર નીકળવું હોય તો બે ત્રણ કિમી પગદંડી પર ચાલીને જ જવું પડે છે તે પછી રસ્તો મળે અને ત્યાંથી ખાનગી વાહનમાં આગળ જઈ શકાય છે. સ્થાનિક રહેવાસીઓ ડાભી બકાભાઈ કોનાભાઈ, દિવાભાઈ હવજી, અશોક લીમ્બા, રોમા મેગા વગેરેએ આક્રોશ ઠાલવ્યો કે પહેલા ખેડબ્રહ્મા અને પછી પોશીના તાલુકો બનતાં પોશીનામાં રજૂઆતો કરી છે. ધારાસભ્ય મત લેવા આવે ત્યારે થઈ જશેનું વચન આપી જતા રહે છે. કોઈ મહિલાને પ્રસૂતિ કે કોઈને બીમારી હોય તો ઝોળી કરીને લઈ જવું પડે છે. એક વખત માણસોની વ્યવસ્થા ન થતાં પ્રસૂતાને લઈ જવામાં બહુ મોડું થઈ જતાં પહેલા બાળક અને પછી માતાનું મોત નીપજ્યું હતું. બાળકોને શાળાએથી પરત આવતા મોડું થાય તો બેટરી લઈને રોડ સુધી લેવા જવું પડે છે. સૌથી મોટી સમસ્યા નાના બાળકોની છે. આંગણવાડી અને પ્રાથમિકમાં અભ્યાસ કરતાં બાળકો પણ પ્રતિદિન પગદંડી પર ચાલીને શાળામાં જાય છે, આ ફળિયાના આંગણવાડીમાં જતાં નાના બાળકો જ્યાંથી પસાર થવું પડે છે ત્યાં વચ્ચે તળાવની સાંકડી પાળ પરથી પસાર થવું પડે છે આ દરમ્યાન કોઈ બાળકને ઠેસ વાગે કે અન્ય બાળક મસ્તી મસ્તીમાં ધક્કો મારે તો તળાવમાં પડી જવાનો ડર સતત સતાવે છે.
હિન્દુસ્થાન સમાચાર/ મહેન્દ્રપ્રસાદ/હર્ષ શાહ
