


મહેસાણા, 24 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા ખાતે ભારતીય વાયુસેનાની ‘સૂર્યકિરણ એરોબેટિક ટીમ’ (SKAT) દ્વારા અદભુત એર શો યોજાયો હતો. નવ હોક વિમાનો દ્વારા ડાયમંડ ફોર્મેશન, તેજસની આકૃતિ સહિતના દિલધડક સ્ટંટ રજૂ કરી મહેસાણાના આકાશને તિરંગાના રંગથી રંગી દીધું હતું. આ પ્રસંગે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વાયુસેના, જળસેના અને થલસેનાનું શૌર્ય સમગ્ર વિશ્વમાં ગૌરવ લેવા જેવું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રની સુરક્ષા, સ્વદેશી અપનાવો અને સ્ત્રી સશક્તિકરણ જેવા અભિયાનોની પ્રશંસા કરી હતી.
સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે આ એર શો રાષ્ટ્રપ્રેમનું પ્રતીક છે અને નવા ભારતના નિર્માણની દિશામાં પ્રેરક કદમ છે. SKAT ટીમ, જે 1996માં રચાઈ હતી, એ એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે અને અત્યાર સુધી 700થી વધુ પ્રદર્શનો કરી ચૂકી છે. મહેસાણામાં યોજાયેલા આ શો દરમિયાન વાયુસેનાના પાયલોટ્સે 5 મીટર જેટલા નજીક અંતરે વિમાનો ઉડાવી અદ્ભુત કરતબો રજૂ કર્યા હતા. આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, અધિકારીઓ અને હજારો નાગરિકોએ ઉપસ્થિતિ દર્શાવી રાષ્ટ્રગૌરવનો અનુભવ કર્યો હતો.
—————
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR
