રાજકોટ/અમદાવાદ,02 જાન્યુઆરી (હિ.સ.) આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને મતદાતાઓને ઇ.વી.એમ. મતદાન પ્રક્રિયા અંગે સરળતાથી જાણકારી અને પ્રેક્ટીકલ અનુભવ મળે તે અર્થે રાજકોટ કલેકટર કચેરી સ્થિત જન સુવિધા કેન્દ્ર ખાતે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર કલેકટરના હસ્તે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં ખુલ્લુ મુકાયું હતું
આ પ્રસંગે કલેકટર પ્રભવ જોષીએ ઇ.વી.એમ.ની સ્વિચ દબાવી ઇ.વી.એમ.ની કામગીરીની ચકાસણી કરી હતી. અને નિદર્શનની સમગ્ર પ્રક્રિયાનો શુભારંભ કરાવવ્યો હતો.
ચૂંટણી અધિકારી ખાચરના જણાવ્યા મુજબ રાજકોટ શહેર પશ્ચિમ વિધાનસભા મતદાર વિભાગ સહિત રાજકોટ જિલ્લાના તમામ વિધાનસભા મતદાન વિભાગમાં પણ ઇ.વી.એમ.નિદર્શન કેન્દ્ર આજથી ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ મામલતદાર ઓફિસ, રાજકોટ ગ્રામ્ય તેમજ લોધિકા, કોટડા સાંગાણી, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા મામલતદાર કચેરી ખાતે અને જસદણ, વિછીયા, ગોંડલ, જેતપુર સેવા સદન ખાતે પણ લોકોને મતદાન પ્રક્રિયા સુવિધાર્થે ઇ.વી.એમ. નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું છે.
હિન્દુસ્થાન સમાચાર/
